અણીતા ગામે આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ KPL ૩ યોજાઇ
સુરત, ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમ દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ (KPL ૩)નું આયોજન અણીતા ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કીમ કેન્દ્ર સંલગ્ન કીમ પ્રાથમિક શાળા, કુડસદ પ્રાથમિક શાળા, આશિયાનાનગર પ્રાથમિક શાળા, કઠોદરા પ્રાથમિક શાળા, મુળદ પ્રાથમિક શાળા તથા સ્યાદલા પ્રાથમિક શાળાની ટીમોએ ભાગ લીધો હતો.
સી.આર.સી. કો-ઓર્ડિનેટર આકાશ પટેલે સૌ ખેલાડીઓને આવકારી ટુર્નામેન્ટનાં નિયમોની જાણકારી આપી હતી. આ પ્રસંગે અણીતા ગામનાં સરપંચ રમેશભાઈ પટેલ, ગામનાં અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ તથા ગામનાં યુવાનો, કેન્દ્રચાર્ય દિનેશભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતાં. ટુર્નામેન્ટની ફાઈનલ કીમ પ્રાથમિક શાળા ઈલેવન અને મુળદ પ્રાથમિક શાળા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ દાવ લેતાં કીમ ઈલેવને ૮ ઓવરમાં ૩૬ રન ફટકાર્યા હતાં. જયારે મુળદ ઈલેવન ૬ ઓવરમાં ૨૪ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આમ ફાઈનલ મેચમાં કીમ ઈલેવન સતત ત્રીજી વખત ચેમ્પિયન બની હતી.
ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી, મેન ઓફ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટસમેનની ટ્રોફીઓ દાતાઓ એવાં કન્યાસી પ્રાથમિક શાળા અને સમૂહ વસાહત પ્રાથમિક શાળાનાં નિવૃત્ત મુખ્યશિક્ષકો અનુક્રમે નટવરભાઈ પટેલ તથા ઉમેદભાઇ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવી હતી. અમ્પાયર તરીકેની સેવા અશોક પટેલ, નેહલ મહીડા, આરતી દવે, મૃણાલિની પટેલ તથા વનિતાબેને આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાનાં શિક્ષકો પિનાકીનભાઇ, કિશોરસિંહ, યોગેશભાઈ તથા નીતિનભાઈએ જહેમત ઉઠાવી હતી. અંતે આભારવિધિ શિવાજીનગર પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક સતિષભાઈ પરમારે આટોપી હતી.