Western Times News

Gujarati News

પ્રેમની કોઈ જાતિ હોતી નથી, પ્રેમ તો પ્રેમ છે…… આ શબ્દો છે રાજ્ય સરકારની સહાયથી ગૃહસ્થ જીવન શરૂ કરનાર તન્વીબહેનના

અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૧૮૮૬ યુગલોએ ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનાનો લાભ લીધો

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર ૧૮૮૬ યુગલોને રૂ. ૨.૫૦ લાખ લેખે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭.૯૦ કરોડની સહાય ચૂકવાઈ

અમે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, જીવનના નવા પડાવમાં  આર્થિક સહાય આપી પરિવારની જેમ ગુજરાત સરકાર અમારી પડખે ઊભી હોવાથી અમે અમારું  ગૃહસ્થજીવન સરળતાથી શરૂ કરી શક્યા છીએઃ- જયશ્રીબહેન

અમદાવાદમાં રહેતાં અને આંતરજ્ઞાતીય લગ્ન કરનાર શ્રીમતી  જયશ્રીબહેન જણાવે છે કે, ‘‘મેં અને આશિષે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, જીવનના આ નવા પડાવમાં આર્થિક સહાય આપી ગુજરાત સરકાર પરિવારની જેમ અમારી પડખે ઊભી હોવાથી અમે અમારું ગૃહસ્થજીવન સરળતાથી શરૂ કરી શક્યા છીએ.”

અમદાવાદના નારોલ ખાતે રહેતા જયશ્રીબહેન અને આશિષભાઈએ બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બન્નેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી સંઘર્ષનો સામનો કરવો પડેલો, તેની વાત કરીને આ સમયગાળામાં આર્થિક સહાય બદલ  રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનાની અમને જાણ થતાં અમે ઓનલાઇન અરજી કરી હતી.

આ યોજનાનો લાભ મેળવવા માટે જાતિ તથા લગ્નના પ્રમાણપત્ર સહિત તમામ દસ્તાવેજી કાગળો અપલોડ કરતાં કોઈ પણ જાતની તકલીફ વિના અમારી અરજી મંજૂર થઈ ગઈ અને ખૂબ ટૂંકા સમયમાં આ યોજના હેઠળ રૂ. ૨.૫૦ લાખની આર્થિક સહાયનો લાભ મળ્યો છે.” તેમણે વધુ વાત કરતાં જણાવ્યું કે, “સરકારે અમારા જેવા યુગલો માટે ખૂબ સરસ કલ્યાણકારી યોજના બનાવી છે. જેના થકી અમારા જેવા નવા ગૃહસ્થજીવનની શરૂઆત કરતા દંપતીઓને આર્થિક મદદ મળે છે.”

પ્રેમની કોઇ જાતિ હોતી નથી, પ્રેમ તો પ્રેમ છે…- આ શબ્દો છે રાજ્ય સરકારની સહાયથી સરળતાથી ગૃહસ્થ જીવન શરૂ કરનાર તન્વીબહેનના. અમદાવાદના પાલડી ખાતે રહેતા તન્વીબહેને આજથી બે વર્ષ પહેલા દિવ્યભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઇને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે.

જીવનના નવા પડાવમાં આત્મવિશ્વાસ અને આર્થિક સહાય પૂરી પાડનાર રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અમને સમાજ કલ્યાણ ખાતાના નિરીક્ષક દ્વારા ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનાની માહિતી મળી હતી.

આ નવદંપતિને રાજ્ય સરકાર દ્વારા ઘરવખરી ખરીદી પેટે રૂ. ૧,૫૦,૦૦૦/- ની  અને સંયુક્ત નામે રાષ્ટ્રીય બચત પત્રો પેટે રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી. આ યોજનાને કારણે બંને પરિવાર વચ્ચેના જ્ઞાતિને લગતા ભેદભાવ દૂર થયા છે અને પરિવાર વચ્ચેના સંબંધો સુમધુર બન્યા છે.

વર્ષ-૨૦૨૦થી-૨૦૨૪ દરમિયાન અમદાવાદ જિલ્લામાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર કુલ ૧૮૮૬ યુગલોએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, અમદાવાદ ખાતે અરજી કરી હતી. જે તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને  કુલ ૧૮૮૬ અરજીઓ માટે ૧૭.૯૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે કોઇ આવક મર્યાદા નથી, એટલે કે લગ્ન કરનાર વ્યક્તિ ગમે તેટલી આવક ધરાવતા હોય તોપણ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વંચિત સમાજના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જે પૈકી હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરી સામાજિક સમરસતા સ્થાપવાના ઉદેશ્યથી અમલી બનાવેલ ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ અન્ય જાતિના વ્યક્તિ સાથે લગ્ન કરનાર અનુસૂચિત જાતિની વ્યક્તિને રૂ. ૨.૫૦ લાખની સહાય આપવામાં આવે છે.

સામાજિક  સમરસતા એ કોઈપણ રાજ્યના વિકાસની પાયાની જરૂરિયાત છે. કોઇપણ સમાજ જાતિના લીધે અન્ય જાતિથી પાછળ ન રહી જાય એ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ બનાવીને તમામ સમાજો સામાજિક સમરસતાથી અને ભાઇચારાથી એકબીજા સાથે હળીમળીને રહે એ સુનિશ્ચિત કર્યું છે.

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિના હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ સાથેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતાનું કલંક દૂર કરીને સામાજિક સમરસતા સ્થાપવાના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીની ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલને કુલ રૂ. ૨.૫૦ લાખની સહાય આપવામાં આવે છે, જે પૈકી રૂ. ૧,૦૦,૦૦૦/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ. ૧,૫૦,૦૦૦/- ની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે આપવામાં આવે છે. ◆ કુલદીપસિંહ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.