મુખ્ય શિક્ષકની જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં નિયમો અંગે વિવાદ વકર્યાે
(એજન્સી)અમદાવાદ, રાજયની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એચ ટાટ આચાર્ય (મુખ્ય શિક્ષક) માટે આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બદલીમાં ભેદભાવ અને વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની નિમણૂકના ૧૨ વર્ષ પછી આજે શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો ઘડવામાં આવ્યા છે. નવા નિયમો પ્રમાણે જ આજે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૦મી જુલાઇના રોજ જાહેર કરવામાં આવેલા નિયમોના અનુસંધાનમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા આંતરિક બદલીમાં ૩ વર્ષની ફરજ બજાવેલી હોવી જોઇએ અને જિલ્લા ફેરબદલી માટે પાંચ વર્ષની નોકરી હોવી ફરજિયાત છે.
આ નિયમ અંતર્ગત જિલ્લામાં નિમણૂકની તારીખને સિનિયોરિટી મુજબ ગણવાના બદલે કેમ્પમાં એવી સૂચના આપવામાં આવી હતી કે, આજના આંતરિક કેમ્પમાં જે હુકમ થાય એ દિવસની તારીખને નિમણૂકની તારીખ ગણવાની રહેશે. આ નિયમના કારણે આંતરિક કેમ્પમાં ભાગ લેનારા મુખ્ય શિક્ષકો હવે પછી યોજનારા જિલ્લા ફેરબદલી કેમ્પમાં ભાગ લઇ શકશે નહીં.
કારણ કે, જિલ્લા ફેરબદલી કેમ્પમાં ભાગ લેવા માટ નોકરીના પાંચ વર્ષ હોવા જરૂરી છે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
મહત્વની વાત એ કે, આજે મોટભાગના મુખ્ય શિક્ષકો-આચાર્ય કામના ભારથી કંટાળીને ઓછી સંખ્યા ધરાવતી સ્કૂલો તરફ વળ્યા હતા. શિક્ષકોના કહેવા પ્રમાણે અનેક સ્કૂલોમાં કલાર્ક, પટ્ટાવાળા અને પુરતા શિક્ષકો જ ન હોવાના કારણે વહીવટી કામગીરીનું ભારણ રહે છે.
આ પ્રકારે કામના ભારણથી અનકે પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે મોટાભાગના મુખ્ય શિક્ષકોએ જે સ્કૂલોમાં ઓછી સંખ્યા હોય તેમાં જવાનું પસંદ કર્યું હતું.