આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2025: કરુણા, સમર્પણ અને પરિશ્રમનો સમાનાર્થી એટલે નર્સ

આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ નર્સીસ(ICN) વર્ષ 1965થી કરે છે વિશ્વ નર્સ દિવસની ઉજવણી
આરોગ્ય પ્રણાલી સાથે અર્થતંત્રનું એક મહત્વનું અંગ એટલે નર્સ
દરરોજ સેવા અને સમર્પણના ભાવથી નર્સ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. તેમનું કામ ક્યારેય લોકમુખે નથી આવતું પરંતુ દર્દીના હોસ્પિટલમાંથી સાજા થઈને પોતાના રોજિંદા જીવનમાં પરત ફરવાના મૂળમાં નર્સ એક મહત્વની ભૂમિકા ભજવે છે.
દર્દીના જીવનની કેટલીક સૌથી મુશ્કેલ ક્ષણોમાં, દિલાસો આપવામાં અને તેમની પડખે ઊભા રહેવામાં નર્સનું અમૂલ્ય યોગદાન હોય છે. ક્રિટિકલ કૅર, શસ્ત્રક્રિયા, પ્રસુતિ સંભાળ, દર્દીઓની સેવા અને સાર સંભાળમાં નર્સ મહત્વનો ભાગ ભજવે છે.
‘આપણી નર્સ. આપણું ભવિષ્ય. નર્સની સાર સંભાળ રાખવાથી આપણું અર્થતંત્રને મજબૂત બને છે.’ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની આ થીમ સંદેશ આપે છે કે, આરોગ્ય પ્રણાલીએ પણ નર્સિંગ ક્ષેત્રમાં રહેલા લોકોની સાર-સંભાળ રાખવી જોઈએ જેથી તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં તણાવ અને થાકનો સામનો કરી શકે. જ્યારે નર્સનું મૂલ્ય, તેમનું રક્ષણ અને તેમના હકોનું સમર્થન કરવામાં આવે છે ત્યારે તેઓ વધારે સારી કાર્યક્ષમતા વિકસાવી શકે છે. નર્સિંગથી આરોગ્ય ક્ષેત્ર મજબૂત બને છે અને તેનાથી અર્થતંત્રને ફાયદો થાય છે.
કરુણા, સમર્પણ અને પરિશ્રમનો સમાનાર્થી એટલે નર્સ. વિશ્વભરમાં નર્સ તરીકે કામ કરતા લોકોને તેમના દ્વારા આપવામાં આવતી સેવા માટે યાદ કરીને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા. 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સીસ (ICN) વર્ષ 1965થી વિશ્વ નર્સ દિવસનું આયોજન કરે છે.
ફ્લોરેન્સ નાઇટિંગેલના યોગદાનથી વ્યવસાયિક નર્સિંગનો પાયો નાખવામાં આવ્યો હતો. દર વર્ષે નર્સિંગ અને આરોગ્ય વિષયના મુખ્ય મુદ્દાઓને સંબોધવા માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે નર્સ દ્વારા કરવામાં આવતા સખત પરિશ્રમને સન્માન આપવામાં આવે છે. આ દિવસ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.
ફ્લોરેન્સ નાઇટિંગેલ એક અગ્રણી બ્રિટીશ સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા. તા. 12 મે, 1820ના રોજ ઈટાલીના ફ્લોરેન્સમાં જન્મ્યા હતા. તેઓ એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. પરંતુ નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવીને તેમણે પોતાની સામાજિક અપેક્ષાઓને નકારી હતી. વર્ષ 1854માં ક્રિમીયન યુદ્ધ દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગેલ ઘાયલ સૈનિકોની સંભાળ રાખવા માટે કોન્સ્ટેન્ટિનોપલ ગયા હતા; ત્યાં તેમણે પોતાની નર્સિંગની પદ્ધતિઓ દ્વારા યુદ્ધના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1860માં તેમણે લંડનમાં નાઇટિંગેલ સ્કૂલ ઑફ નર્સિંગની સ્થાપના કરીને વ્યાવસાયિક નર્સિંગનો પાયો નાખ્યો હતો.
ફ્લોરેન્સ નાઇટિંગેલ આરોગ્ય અને સંભાળને લગતી માહિતી પહોંચાડવા અને તેને લગતા સુધારાની હિમાયતમાં આગળ પડતું કામ કરતા હતા. નાઇટિંગેલની કરુણાપૂર્ણ સંભાળે તેમને આ પ્રતિષ્ઠિત ઉપનામ આપ્યું હતું. તેમણે નર્સિંગને વ્યાવસાયિક કામ બનાવ્યું અને તેને લગતા હકારાત્મક બદલાવો લાવવામાં આગળ પડતું કામ કર્યું હતું. ફ્લોરેન્સ નાઇટિંગેલે નર્સિંગ સાથે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય નીતિ, જાહેર આરોગ્યની જગ્યાઓ અને તેની સ્વચ્છતા પદ્ધતિમાં બદલાવ લાવવાનું કામ કર્યું હતું. ફ્લોરેન્સ નાઇટિંગેલને તેમના કામ અને સેવા બદલ પુરસ્કારો અને માન્યતાઓ પ્રાપ્ત થઈ હતી.
આરોગ્યના ક્ષેત્રે ડોક્ટરોનું કામ પૂરું થાય અને નર્સનું કામ શરૂ થાય છે. દર્દીઓની સાર સંભાળમાં મહત્વની ભૂમિકા ભજવતા આ લોકોની સેવાને યાદ કરીને તેમને સન્માનિત કરવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. નર્સના પ્રયત્નો અને તબીબી ક્ષેત્રમાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક દર્દીના જીવનમાં સારામાં સારી આરોગ્યલક્ષી સેવા અને સાર-સંભાળ પૂરી પાડવામાં એક ડોક્ટર બાદ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
જેમ જેમ આરોગ્ય પ્રણાલી વધુ જટિલ બનતી જાય છે તેમ તેમ નર્સની ભૂમિકાનું વિસ્તરણ થતું રહે છે. નિયમિત તાલીમ અને કૌશલ્ય વિકાસથી નર્સ તબીબી પ્રગતિ અને દર્દીઓની બદલાતી જરૂરિયાતોથી વાકેફ રહે છે.
‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ નર્સ તરીકે કાર્યરત લોકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરે છે. નર્સ આરોગ્ય ક્ષેત્રમાં સાર-સંભાળ આપી અમૂલ્ય સેવાઓ આપે છે. હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં નર્સની કમી પૂરી કરવી અશક્ય છે. નર્સ આરોગ્ય ક્ષેત્રનું એક મહત્વનું અંગ છે.