આંતરરાષ્ટ્રીય ચા દિવસ
વિશ્વભરમાં દર વર્ષે ૧૫ ડિસેમ્બરના દિવસે વિભિન્ન ચા ઉત્પાદક દેશો દ્વારા ઇન્ટરનેશનલ ટી ડે મનાવવામાં આવે છે. ચાનું ઉત્પાદન વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું મુખ્યસ્ત્રોત છે.
ચા વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિકાસ, ગરીબીમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષામાં અગત્યની ભૂમિકા નિભાવી શકે છે, જે સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની શરૂઆત ૧૫ ડિસેમ્બર ૨૦૦૫માં નવી દિલ્લીથી થઇ હતી.
પરંતુ એક વર્ષ બાદ આ દિવસ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો અને ત્યાંથી વિશ્વભરમાં ચા દિવસ મનાવવાની શરૂઆત થવા લાગી. આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે આજે આપણે જાણીશું કે ચામાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો કેવાં કેવાં ફાયદા થઈ શકે છે?
મસાલા ચાનાં ફાયદાઃ મસાલા ચામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમકે લવિંગ, ઇલાયચી, આદુ, તુલસી, ફુદીનો વગેરેના તો પોતપોતાના અલગ ફાયદા છે જ પરંતુ વિચારો આ બધી જ સામગ્રી એક સાથે મળે અને પ્રમાણસર ચા પીવામાં આવે તો તેના ફાયદાં અનેકગણાં વધી જાય છે. આજકાલ બજારમાં મળતી ગ્રીન ટી પણ વિશેષ ગુણકારી છે.
દુઃખાવામાં રાહત આપેઃ મસાલા ચામાં નાંખવામાં આવતી સામગ્રી શરીરમાં કોઇપણ પ્રકારનાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જેમાં આદુ સૌથી મહત્વનું છે. ૧૫ મિનીટ સુધી આ મસાલાને પાણીમાં ઉકાળવાથી તેના વિશેષ ફાયદા મળે છે.
થાક દૂર કરેઃ જાે તમે થાકેલા છો તો એક કપ મસાલા ચાથી થાક દૂર થઇ જાય છે. તેમાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાની સાથે સાથે તેને ફરી સામાન્ય કરવામાં મદદ કરે છે.
પેટનાં કેન્સરનાં જાેખમને ઓછું કરેઃ ચામાં નંખાતી સામગ્રીમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇટોકેમિકલ્સ હોય છે. જેમાં કેન્સરરોધક વિશેષતા હોય છે. જેના કારણે પેટનાં કેન્સરથી લાભ મળે છે.
પાચન શક્તિ વધારેઃ ચામાં નંખાતી સામગ્રીનું નિયમિત સેવન પાચન અને એન્જાઇમ્સને સ્ટિમ્યુલેટ કરે છે. જેનાંથી ઓક્સિજન લેવલ જળવાઇ રહે છે. આજકાલ ઘણી પ્રકારની ચા ઉપલબ્ધ છે જેનો તમે આનંદ માણી શકો છો અથવા તો તમે
તમારી જાતે જ ચા બનાવીને પરિવાર અને મિત્રો સાથે ચૂસકી માણી શકો છો. તેમાં કાશ્મીરી કાહવા, આદુવાળી ચા, ઓનીક્સ ટી, રોંગા ચા, મસાલા ચા, લેમનગ્રાસ ટી, ગ્રીન ટી, કેમોમાઈલ ટી વગેરેનો સમાવેશ છે.
માહિતી બ્યુરો, બોટાદ