Western Times News

Gujarati News

પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા સંકુલમાં થઈ

વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ : વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો થી આપણી ઋષિપરંપરાના યોગને વૈશ્વિક ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના 193 દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.  યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

આ ૠષિપરંપરાનું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહિ પરંતુ સ્વસ્થ જીવનશૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ યોગ આજે પણ પૃથ્વીવાસીઓને એક કુટુંબ તરીકે જોડવામાં પ્રયત્નશીલ છે.

વિધાનસભા ખાતે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી કાંતિભાઈ અમૃતીયા, શ્રી ઉમેશભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડીયા, વિધાનસભના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.