ઈન્ટરવ્યૂની આસપાસ: નોકરીનો છોકરીનો, ડોકટરનો…
જેણે ન સાંભળ્યો હોય તે નાતબહાર, એવો મહત્ત્વનો બની ગયો છે આ શબ્દ, ‘ઈન્ટરવ્યૂ’ નોકરીનો ઈન્ટરવ્યૂ, છોકરીનો ઈન્ટરવ્યૂ, ઘર ભાડે રાખવા માટેનો ઈન્ટરવ્યૂ, દર્દીનો ડોકટર સાથેનો ઈન્ટરવ્યૂ- બસ, ઈન્ટરવ્યૂ જ ઈન્ટરવ્યૂ ! આજના જમાનામાં કોઈનું ગાડું ઈન્ટરવ્યૂ સિવાય આગળ ચાલે જ નહિ. સમય અપાય-લેવાય, સ્થળ નક્કી થાય અને એ અટપટા નાટકના એકાધિક પ્રવેશો માટેની પૂર્વ- તૈયારીરૂપે ક્યારેક તો રિહર્સલો પણ કરવાં પડે !
આ જમાનાની એ ખાસિયત કે, બાપનો ધંધો તો કોઈ કરે જ નહિ. સૌને પારકે ભાણે મોટો લાડુ દેખાય. ભણી-ગણીને નોકરી શોધનારા વર્ગને તો આ બે પ્રસંગો જાણે ઓચ્છવનાઃ એક તો, ઈન્ટરવ્યૂ માટેનો પત્ર મળે એ (ગાંઠના પૈસે હજારો અરજી કર્યા પછી એક જ વખત આવું નસીબનું પાંદડું ફર્યું હોય), અને બીજો, ઈન્ટરવ્યૂ માટેની પૂર્વતૈયારીનો, જે મળે તેને કહેતો ફરે ઃ ‘આપણે ઈન્ટરવ્યૂ આવ્યો છે !’
અને એ માટે ઉછીનાપાછીના પૈસા લઈને પણ રોનકદાર ટાઈ, ચમકતા બૂટ અને સુગંધીદાર પૂમડાની વ્યવસ્થા – કેમ જાણે હિના કે ખસની ખુશબુથી જ નોકરી આપના મંત્રમુગ્ધ થઈ જવાનો ન હોય ?
ઈન્ટરવ્યૂ આપનારને જ નહિ, ઈન્ટરવ્યૂ લેનાર પણ લગ્નોત્સવ જેટલો આનંદ અનુભવતો હોય છે. ટેબલ કેમ મૂકવાં, આડપડદો કેવી રીતે ગોઠવવો, આગળ ખુરશી રાખવી કે ન રાખવી અને રાખવી તો કેટલી રાખવી- સેક્રેટરી પોતાના દીકરાના લગ્નમાં પણ કાળજી ન રાખે એટલી કાળજી આ ગોઠવણીમાં રાખતો હોય છે, કારણ કે કેટલાક મહાનુભાવો તો આવા વિરલ પ્રસંગોએ જ ત્યાં ખુરશી શોભાવવા આવતા હોય છે.
સમયસર તો ઠીક,પણ મોટાભાગના ઉમેદવારો સમય પહેલાં જ આવી પહોંચતા હોય છે. નોકરી મળવાની છે એ આશાએ આગલી જ રાત્રે કેશકર્તનકલાનો લાભ લઈ ઈન્ટરવ્યૂનું કાર્ડ જીવની જેમ સાચવી, રિક્ષામાં બેસીને એ આવી પહોંચેલા હોય છે. પટાવાળાઓને પણ આનંદ માતો નથી હોતો.
‘ત્યાં વ્યવસ્થિત બેસો.’ સાહેબ હમણાં એક એકને બોલાવશે,’ એવા વાક્યોચ્ચાર સાથે આ શુદ્રજીવો થોડીક સહાનુભૂતિ તો ક્યારેક પોતે જ જાણે નોકીર આપવાના હોય એવી અદા પ્રગટ કરતા હોય છે.
ઈન્ટરવ્યૂનું નાટક શરૂ થતાં કેટલાકને તો એમના નામના પોકાર સાથે જ પરસેવો છૂટવા માંડે. કુરુક્ષેત્રમાં અર્જુનેય નહિ અનુભવી હોય એવી ધ્રુજારી થવા માંડે. ગમે તેવો મહારથી પણ, શું પુછશે, પોતે પાસ થશે કે નહિ. પરિણામ શું આવશે, એ બધી ચિંતામાં સાધારણ પ્રશ્નનો જવાબ પણ આપી શકતો નથી. જયારે કશું નહિ જાણનારો લાપરવાહીથી ઉડાઉ જવાબો આપતાં એની આ ચબરાકીના તેજથી જ ક્યારેક પસંદ થઈ જાય છે- પછી ભલે માથે પડ્યા જેવું થાય. આમ ઈન્ટરવ્યૂ લગ્નના જેવો છે ઃ
કેટલાક પહેલેથી દુઃખી થાય, બીજા પાછળથી ફદિયું આપવાનું નહિ અને માટી લંગારને બોલાવી હોય, પસંદગીની આશાએ બધા હાજર પણ થઈ ગયા હોય, એમાં નંબર લાગતા લાગતામાં કેટલાક ઉંઘી પણ જાય ! બી.એ., એલએલ.બી., એમ.એ. એમ.એસસી, એસ.ટી.સી. સી.એ. બધી જ ઉપાધિઓવાળાના આ શંભુમેળામાં બોલાનારને ખબર પણ ન હોય કે કયા કામ માટે કયો લાયક છે ?
પણ આજના જમાનામાં ડિગ્રી એટલે ડિગ્રી, લાયકાત સાથે એને સ્નાનસૂતકનો પણ સંબંધ નહિ, એટલે આવું કરવું પડે. કેટલાક વળી ચોપડીઓ લઈને આવે અને છેલ્લી મિનિટે પરીક્ષા આપતા નિશાળિયાની જેમ નોંધોમાંથી કેટલુંક ગોખતા હોય. તો કેટલાક છેલબટાઉઓનું ધ્યાન બહેનો તરફ કેન્દ્રિત યેલું હોય.
બારણું સીધું હોય પણ ઈન્ટરવ્યૂ લેનારા મહાશયો ટેબલખુરશી વાંકાં મૂકી લાકડાના પડદા પાછળ લપાઈને બેઠા હોય- શિકાર આવે કે તૂટી પડવાના વેતમાં, જાણકાર તેમાંનો એકાદ હોય, બાકીના તો ખુરશીમાં બેસવાથી જ મહાજ્ઞાની બન્યા હોય છે અને તે પણ એટલી મિનિટો પૂરતાં જ. બે ત્રણ મિનિટે તો એમની વિવેકબુદ્ધિ જાગે, અને ત્યારે કહે ઃ ‘બેસો.’ ઈન્ટરવ્યૂ આપનારો એ આદેશ પૂર્વે જ જો ખુરશીમાં બેસી જાય તો કહે ઃ ‘વિવેક નથી.’ ના બેસે તો કહે ઃ ‘બાઘો છે, ખુરશી છે છતાં બેસતો નથી !’ બેઠેલા પંચમહાભૂતો કે સપ્તર્ષિઓમાંથી પ્રશ્નોની ઝડી ગમે તે દિશામાંથી વરસે છે.
ઈન્ટરવ્યૂ શરૂ થતાં કોઈ વ્યવસ્થિત મઢેલી સામગ્રીનો ભાર થેલીમાં ઉપાડી પ્રવેશ કરે, કોઈ નમસ્કાર કરે, કોઈ ‘ગુડ ઈવનિંગ’ તો કોઈ સ્મિત કરે, જયારે કોઈક તો અંદર બેઠેલા પાત્રોના ઠાઠ અને વૈભવથી પ્રભાવિત થઈને જીભ તાળવે ચોંટી હોય તેમ ધબ્બ દઈને ખુરશીમાં ફસડાઈ પડે. મારી સાથે આવેલા એક સજ્જને તો આવું જોતાં જ,
‘પાણી!’ એમ પોકાર પાડેલો અને સહેજ મૂર્ચ્છા ઓછી થતાં જ મફતનું પાણી પીને ચાલતી પકડેલી.
બીજા એકે પસંદગીનો પોતાનો હક્ક સાબિત કરવા અનેક વિદેશી મિત્રોના પત્રવ્યવહારનો ગંજ ખડકી દઈ એક જ પ્રશ્નના ઉત્તરમાં એટલી તો વાગ્ધારા વહાવેલી કે ઈન્ટરવ્યૂ લેનારામાંના કેટલાક તો હાલરડાની મધુર અસર નીચે આવી ગયેલા, જયારે કેટલાક તે શું કહે છે તે સમજવા માટે માથું ખંજવાળવા માંડેલા અને છેવટે અમારા સૌના આશ્ચર્ય વચ્ચે પસંદગી પણ એની જ થયેલી !
જમાનાના ખાધેલા ઘંટોએ જેમ ઘણી ઘંટીના આટા ખાધેલા હોય છે, તેમ મેં પણ નોકરી મેળવતાં પહેલા ઘણા ઈન્ટરવ્યૂ આપેલા (મારી દૃષ્ટિએ ખરેખર તો લીધેલા) છે. એવા એક ઈન્ટરવ્યૂમાં પ્રશ્નની ગોળી છૂટી ઃ ‘આર્ટિકલ ‘એ’ ક્યારે વાપરશો ને ‘ધી’ ક્યારે વાપરશો ? આનો જવાબ અંગ્રેજી પાંચમાવાળો કે આઠમાવાળો જ આપી શકે, એટલે મેં મારું ગૌરવ જાળવવા મૌનથી જ ઉત્તર વાળતાં પૂછનારની જ પરીક્ષા થઈ ગયેલી ! બીજો પ્રશ્ન ઃ ‘એન્ટીનોવેલ કોને કહેશો?’ મેં હિંમતપૂર્વક જવાબ આપેલો કે, ‘બી.એ.’એમ.એ.માં આવું કશું અમને ભણાવવામાં જ નથી આવ્યું, હું ભણ્યો હોઉં તેમાંથી કંઈક પૂછવાની કૃપા કરો તો સારું.’
ઈન્ટરવ્યૂમાં પ્રશ્નોની પણ બોલબાલા હોય છે. તમે શું ભણ્યા છો, એટલું જ પૂરતું નથી. કેટલી ઉંમર થઈ ? (જાણે ઉંમરને કારણે જે લોકો પીઢ અને શાણા ના બનતા હોય !) પગાર કેટલો જોઈશે ? (જાણે માગે એટલો આપવાના ના હોય ?) પરણેલા છો ? (જાણે છોકરી આપવાની ઉતાવળ ના હોય?)
ઈન્ટરવ્યૂ લેનારા પાસે પડેલાં કાગળ – પેÂન્સલ વડે કેટલાક બિલાડાં ચીતરતા હોય, એકાદ પ્રશ્નના કોઈ અધિકારી ઉમેદવાર દ્વારા અપાતા જવાબ વખતે જૂજ અપવાદ સિવાય બધા બાઘા બની જતા તેમાંનો કોઈ બોલી ઉઠે ઃ ‘બસ, બસ, બસ !’ અને વચ્ચેની ખુરશીવાળો કહી ઉઠે ઃ ‘તમે બેસજો’ (આવું બીજાં પાંચને કહેલું જ હોય !)
પ્રાથમિક તપાસ પૂરી થયા પછી ‘બેસજો’ વાળાઓનો બીજો રાઉન્ડ શરૂ થાય
અને તેમાં પોલીસ ખાતાને પણ શરમાવે તેવા ઝીવણવટભર્યા અને ચિત્ર-વિચિત્ર પ્રશ્નોમાંથી ‘બેસજો’વાળા પસાર થાય, એટલે પાછાં બારણાં બંધ કરીને મસલતો ચાલે. દરેકના ખિસ્સામાંથી કોઈના કાકાની, કોઈના ફુઆની, કોઈના સસરાની તો કોઈના મિત્રની ભલામણોની નોંધવાળી ડાયરીઓ નીકળે અને લાયકાતના સરવાળા-બાદબાકી, ગુણાકાર- ભાગાકાર મુકાય.
ઈન્ટરવ્યૂ લેનારા ધાર્યું જ કરે એવા વિધાતાથી પણ ચઢે એવા હોય છે. એમની અપેક્ષા જ એવી, લાયક કોઈ જડે જ નહિ ! બધું સરખું જ છે. ગમે તેને બેસાડી દેવો, એવું વિચારીને પછી મામકા’માંથી કોઈને શોધી કાઢે. આમ પસંદગીની યાદી તૈયાર થઈ જાય, એટલે પટાવાળો બહાર બેઠેલાઓને કહે ઃ ‘હવે તમે જઈ શકો છો, તમને જણાવવામાં આવશે.’ ક્યારેક તો એવું પણ બને કે આ જાણ કયારેય કોઈને થાય જ નહિ.
એમ ન માનશો કે, આ જમાનામાં માત્ર નોકરીના જ ઈન્ટરવ્યૂ હોય છે. સેલ્સમેનનો ઈન્ટરવ્યૂ, ભાડવાતનો ઈન્ટરવ્યૂ, દર્દીનો ઈન્ટરવ્યૂ, અરે! જયોતિષીને હાથ બતાવનાર સુધ્ધાંનો ઈન્ટરવ્યૂ- આવા નાના-મોટા અસંખ્ય ઈન્ટરવ્યૂથી જીવન ભરેલું જ છે. હવે તો પ્રાથમિક શાળામાં દાખલ થનાર બાળકનો પણ (વાલી સાથે, અલબત્ત) ઈન્ટરવ્યૂ લેવાતો હોય છે. કોલેજ વાળાઓને સંખ્યાની પૂરી ગરજ હોય તો પણ ઈન્ટરવ્યૂ માટે લાઈનમાં ઉભા રાખીને તમાશો તો જરૂર કરે.
કેટલાક ઈન્ટરવ્યૂ જીવનભર મંગળના ગ્રહની જેમ એની વક્રતાના કારણે જ યાદ રહી જાય તેવા હોય છે. દા.ત., લગ્ન માટેનો ઈન્ટરવ્યૂ, નાટકમાં જેમ રિહર્સલ કાચું ને પાકું (ગ્રાન્ડ!) હોય છે, તેમ લગ્નમાં પણ ચોરીછૂપીથી મા-બાપ છોકરા કે છોકરીને મેળાવડામાં કે બીજાના લગ્ન વખતે દાઢમાં (નજરમાં નહિ!) રાખી લઈ પછી કોઈની મારફત પ્રસ્તાવ મુકાવે.
ગળા સુધીની ગરજ છતાં દેખાવ એવો કે આપણે તો કોરાકટ ! છોકરીને જોવા આવે ત્યારે એની બધી જ બહેનો એક પછી એક નકકી કરેલી વ્યવસ્થા મુજબ પાણીના પ્લાયા સાથે, ચા સાથે, પાન-સોપારી સાથે પ્રવેશ કરતી રહે. પાણી આપનાર પોતાની ભાવિ જીવનસંગિની બનવાની એમ માની બેઠેલો ઉમેદવાર છેક છેલ્લા પ્રવેશ વખતે અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવે કે, જેની સાથે જોડાવાનું છે તે તો પોતે જેને બરાબર જોયેલી પણ નહિ એ ચા લાવનાર હતી, પાણી લાવનાર નહિ !
અને જમાનાની ખાધેલ છોકરીઓ પણ છોકરાના ઈન્ટરવ્યૂમાં જે પ્રશ્નો પૂછતી હોય છે એ મારા જેવાએ સંતાઈને સાંભળેલા હોઈ તમારા લાભાર્થે જણાવી શકું તેમ છું ઃ ‘તમે મૂછો કેમ રાખી છે ?, ‘આટલી ઉંમરમાં આટલા બધા ધોળા વાળ કેવી રીતે થયા ? ‘તમે માવડિયા નથી ને ?
આપણે એક શરત, કે સુખેથી રહેવું હોય, તો તમારે મારી વાતમાં વચ્ચે ન પડવું અને મારે તમારી વાતમાં વચ્ચે નહિ પડવાનું.’ વગેરે વગેરે.
એવા એક પ્રસંગે હું હાજર હતો (બારણાની તિરાડમાંથી જોતો હતો માટે !) વડીલોએ એક પછી એક બહાનું કાઢી બે પાત્રોને ભેગા થવાની સગવડ કરી આપી. ભાઈ તો કશું બોલે જ નહિ- બિચારો સંસ્કારી જીવ. પણ બાઈએ જીવન-હોડની બાજી લગાવી ઃ ‘હલ્લો! એવા ઉચ્ચાર સાથે હાથ માત્ર લંબાવ્યો જ નહિ, પેલાનો હાથ પકડી લીધો ! પેલાને તો જાળમાં માછલું પકડાયું હોય એમ બેચેની થઈ, પરસેવો છૂટી ગયો અને જે થોડી વાતો થઈ તેમાં પણ તતફફડથી વિશેષ કશું કરી ન શક્યો. પરીક્ષાના પરિણામની આકાંક્ષા રાખનાર વિદ્યાર્થીઓની જેમ મિત્રોએ તેને પૂછેલું ઃ ‘કેમ, જામ્યું ને ? પણ ભાઈ મગજનું નામ મરી પાડે તો ને !
ના સમજશો કે લગ્ન પહેલાં જ ઈન્ટરવ્યૂ થાય છે. ખરી મજાતો લગ્નોત્તર ઈન્ટરવ્યૂની છે સગાંવહાલાંને પ્રેમ ઉભરાઈ જાય એટલે વાયણું કહીને જમવા નોતરે.
પરણીને સાસરે આવેલી સ્ત્રીને સગાંવહાલાં અને પડોશીની સ્ત્રીઓ ઉલટ- સૂલટ રીતે તપાસતી જ રહે છે – કેવી રીતે ખાય છે ? કેટલું ખાય છે ? ભળી જાય છે કે અતડી રહે છે ? મૂજી છે કે બટકબોલી ? આવા અનેક અભિપ્રાયો આ ઈન્ટરવ્યૂ પછી રજિસ્ટર સર્ટિફિકેટની માફક જ્ઞાતિમાં ને સમાજમાં ફેલાઈ જાય છે. આવા પ્રમાણપત્રોની પુરુષ માટે પણ ખોટ નથી હોતી.
ક્યારેક નસીબ જોગે માંદગી આવી ગઈ હોય ત્યારે ડોકટર પાસે જે ઈન્ટરવ્યૂ આપવો પડે છે, તે પણ યાદગાર હોય છે. શું થાય છે ? જીભ બતાવો ! ક્યાં દુઃખે છે ? કેટલો તાવ હતો ? કાલે શું ખાધેલું ? કોઈ દવા લીધેલી ? પહેલાં, આવું કયારેય થયેલુ ? અને આ બધા પ્રશ્નોના જવાબ દર્દી આપતો હોય ત્યારે ડોકટર તે સાંભળતો હોય છે કે કેમ એ કોયડાનો ઉકેલ તો આજ સુધી મને જડતો નથી.
આવું જ પૈસાદાર થવાની ઈચ્છાથી કે લગ્ન માટે કુંડળી મેળવવાની ઈચ્છાથી કોઈ જયોતિષી પાસે હાથ ધરી બેસતા થાય છે. પછી તેનો જ જવાબ મળે અને તેય તમને ગમતો જવાબ જ હોય અને બીજું જે કઈ ગોળગોળ કહે એ સાંભળ્યા પછી આનંદ તો થાય, પણ ખરેખર શું કહ્યું એ તો ભાગ્યે જ સમજી શકાય.
લગ્નાવસ્થાનમાં પડેલ ગુરુના વક્રીભવનથી આઠમા સ્થાનનો બુધ અશુભ અસરમાંથી નીકળીને શુભગતિ કર્યા પછી સ્થાન બદલે છે, ત્યારે દશાપરિવર્તન સૂચવે છે – આવું તેવું સાંભળવા માટે જ લોકો પૈસા આપે છે, મૂર્ખ બને છે અને રાજી પણ થાય છે. આશા છે કે આ વાંચનારની આવી દશા નહિ થાય !