Western Times News

Gujarati News

ભાવનગરમાં ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા આપવા ચેમ્બરની રજૂઆત

ભાવનગર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીજ દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ભાવનગર ખાતે રેલવેની સુવિધા પ્રમાણમાં ઓછી હોવાથી બહારથી આવતા-જતા માલ-સામાનનું પરિવહન ટ્રક દ્વારા જ થતું હોય છે. પરંતુ ભાવનગર ખાતે ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા ન હોવાથી ટ્રક પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડે છે.

ભાવનગરમાં દાખલ થવા માટે મુખ્યત્વે ત્રણ રસ્તા છે જેમાં એક અમદાવાદ/વડોદરા/ સુરત/ મુંબઈ તરફથી આવતો મુખ્ય માર્ગ, રાજકોટ, અમરેલી તરફથી આવતો મુખ્ય માર્ગ અને ઉના-મહુવા-તળાજા તરફથી આવતો મુખ્ય માર્ગ, એમ ત્રણ રોડનો સમાવેશ થાય છે તેમાં પણ વડોદરા તરફથી આવતો મુખ્ય માર્ગ નિરમા પાટિયાથી કેબલ બ્રિજ થઈને આવે છે

તેનો સોથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તા ઉપર ઘણી સરકારી જમીન આવેલ છે અને તે વિસ્તારથી મુખ્યબજાર સૌથી નજીક પડે છે.

જાે આ રસ્તા ઉપર ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવે ત્યાં આગળ ડ્રાઈવ-કલીનર માટે વોશરૂમ તથા ચા-નાસ્તા અને જમવા માટે કેન્ટીનની સુવિધા હોય અને સાથે સાથે ટ્રકોની સલામતી માટે સિકયુરિટી, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રકના પાર્કિંગનો પ્રશ્ર હલ થશે અને શહેરના વિકાસને ગતિ મળશે.

સાથે સાથે એવું સુચન કરાયું છે કે રાજકોટ તરફથી આવતા મુખ્ય માર્ગ પર નારી ગામ પાસે નિર્માણ થયેલ વિશ્વકર્મા ઔદ્યોગિક વસાહતથી ચિત્રા જીઆઈડીસી થઈને કુંભારવાડા ઔદ્યોગિક વસાહતને સાંકળીને રોડ પહોળો બનાવવામાં આવે

અને તે જ રીતે તળાજા તરફથી આવતો મુખ્ય માર્ગ (રીંગરોડ)ની કામગીરી જલ્દી પૂર્ણ થાય તો તે તરફથી આવતા ભારે વાહનોની અવર જવર રોકી શકાય. આમ કરવામાં આવે તો શહેરમાં ટ્રાફિકજામ અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.