ઘરે જઈને રામમંદિરનું આમંત્રણ આપ્યું, તો પણ ન આવ્યા: PM મોદી
ઋષિકેશમાં મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર- નબળી સરકારોનો દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો
(એજન્સી)ઋષિકેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચૂંટણી રેલી કરવા માટે ઋષિકેશ પહોંચ્યા હતા. તેમણે સ્ટેજ પર ડમરું વગાડીને જનમેદનીનું સ્વાગત કર્યું હતું. ગઢવાલી ભાષામાં સૌને શુભેચ્છા પાઠવી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે પણ દેશમાં નબળી સરકારો હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો અને આતંકવાદ ફેલાવ્યો. આજે એક મજબૂત સરકાર ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારે છે.
વડાપ્રધાને કહ્યું, “મા, હું તમારા આશીર્વાદ લેવા ગંગાના કિનારેથી આવ્યો છું. જ્યારે પણ હું ઉત્તરાખંડ આવું છું, ત્યારે હું મારી જૂની યાદોને તાજી કરું છું. તમિલનાડુના લોકો પણ કહી રહ્યા છે કે ફરી એકવાર મોદી સરકાર. આજે હું બાબા કેદારની ભૂમિ પર છું. અહીં પણ લોકો કહી રહ્યા છે કે ફરી એકવાર મોદી સરકાર.
વડાપ્રધાને કહ્યું- લોકો મારા વિરુદ્ધ કંઈ પણ બોલી રહ્યા છે. જ્યારે હું કહું છું કે ભ્રષ્ટાચાર દૂર કરો તો વિપક્ષીઓ કહે છે કે ભ્રષ્ટાચાર કરો. તમે મને કહો કે હું બરાબર કરી રહ્યો છું? ભ્રષ્ટાચાર દૂર થાય કે ન થાય, તમે મને સાથ આપો, હું દેશમાંથી ભ્રષ્ટાચાર સાફ કરીશ. કોંગ્રેસ પરિવાર સાથે ચાલે છે, મારો પરિવાર દેશ છે.
મેં ઉત્તરાખંડની મહિલાઓની વેદના જોઈ છે, જેમને પાણી અને લાકડા માટે દૂર સુધી જવું પડતું હતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, દરેકના ઘરે પાણી અને ગેસ પહોંચી રહ્યા છે. ધામી સરકાર મહાન કામ કરી રહી છે, કોંગ્રેસ વિકાસ અને વિરાસત વિરોધી છે.
વડાપ્રધાને કહ્યું- કોંગ્રેસના નેતાઓ માટે પહેલા દિલ્હીનો શાહી પરિવાર અને પછી તેમનો પોતાનો પરિવાર જ સર્વસ્વ છે. પરંતુ મોદી માટે મારુ ભારત મારો પરિવાર છે. કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો હતો. ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું, પરંતુ ન આવ્યા. ઘણા અવરોધો હતા. પરંતુ રામમંદિરનું નિર્માણ થયું. ઉત્તરાખંડ માટે સારું કરવાની જવાબદારી અમારી છે. ઉત્તરાખંડની ભૂમિ બ્રહ્મકમલની છે, આ કમળ ખીલવું જોઈએ. મારી ગેરંટી તમારા માટે ૨૪/૭ કામ કરવાની છે. ૩ બેઠકોના ઉમેદવારોને વિજયી બનાવવાનું કામ પૂર્ણ કરો. જૂના તમામ રેકોર્ડ તોડવા પડશે.
વડાપ્રધાને કહ્યું- જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે વચેટિયાઓ તેમના પૈસા ખાઈ જતા હતા. હવે લોકોના હકના નાણા સીધા તેમના બેંક ખાતામાં જાય છે. મોદીએ આ લૂંટ બંધ કરાવી છે, તેથી તેમનો મોદી પર ગુસ્સો આસમાને છે.
વડાપ્રધાને આજે દેશમાં મોદીની મજબૂત સરકાર છે, એટલા માટે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે. ભારતનો ત્રિરંગો યુદ્ધના ક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરંટી બને છે. ૭ દાયકા પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં ૩૩% અનામત મળી છે.સામાન્ય વર્ગના ગરીબ લોકોને પણ ૧૦% અનામત મળી છે.
વડાપ્રધાને કહ્યું કે ઋષિકેશની ધરતીની વિદેશોમાં પણ તાકાત છે, અહીં રાફિં્ટગ-કેમ્પિંગ બધું જ છે, ઋષિકેશમાં આધ્યાત્મિક આનંદ અને પર્યટન બધું જ છે, ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, માનસખંડ હેઠળ મંદિરોનો વિકાસ થઈ રહ્યો છે. હેલિકોપ્ટર સેવા દ્વારા આદિકૈલાશના દર્શન કરવામાં આવી રહ્યા છે. ચારેય ધામોને હાઇવે દ્વારા જોડવામાં આવી રહ્યા છે. દેશભરમાંથી આવતા મુસાફરોને ઘણી સુવિધાઓ મળશે.