IOC અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સંયુકત ઉપક્રમે CSR કાર્યક્રમ
રાજપીપલા: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિ. તેમજ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજે રાજપીપલામા શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળા ખાતે CSR કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને સહાયરૂપે વિવિધ પ્રકારના સાધન વિતરણના યોજાયેલા સમારોહને કંપનીના જનરલ મેનેજરશ્રી કર્નલ એસ.એસ.નેગી,
એલીમ્કો કંપનીના શ્રી પિયુષ ચતુર્વેદી, શ્રી શશાંગ પાંડેસર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જિલા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર તેમજ દિવ્યાંગ લાભાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે અંદાજે રૂા. ૪૫ લાખના ખર્ચે ૨૯૬ જેટલા લાભાર્થી દિવ્યાંગોને વિવિધ પ્રકારની ૫૭૫ જેટલી સાધન સહાયનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના જનરલ મેનેજરશ્રી કર્નલ એસ. એસ.એસ.નેગીએ જણાવ્યુ હતું કે, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા CSR અંતર્ગત સૌ વિકલાંગો લાભાન્વિત થયાં છે. આ અગાઉ સુરત, અમદાવાદ, દાહોદ જિલ્લામાં દિવ્યાંગોને વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયુ છે, તેમ જણાવી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન તરફથી કુપોષણને નાબુદ કરવાના પણ હરહંમેશ પ્રયાસો રહયા છે અને દિવ્યાંગોને-વિકલાંગોને સ્માર્ટ ફોન, બેટરીથી ચાલતી સાયકલ, હિયરીંગ મશીન જેવી જુદી જુદી ૫૭૫ જેટલાં સાધનોની સહાયથી તેમની પ્રગતિ થશે તેવી શુભેચ્છા પાઠવી CSR ના માધ્યમ થકી થતી
આવી પ્રવૃત્તિ ખુબ જ આવશ્યક હોવાની સાથે આવકારદાયક બની હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. એલીમ્કો કંપની-ઉજજૈનના આસી.મેનેજર શ્રી પીયુષ ચતુર્વેદીએ કહયુ હતું કે, એલીમ્કો ન્યાય અને અધિકારની મુખ્યધારામાં જોડવાનું કામ કરે છે, તેમજ દિવ્યાંગજનોના સશકિતકરણનું કામ દિવ્યાંગજનો સુધી મહત્તમ રીતે પહોંચે તો તેઓ પણ પ્રગતિ કરી શકે છે તેવી પ્રાથમિક માહિતી પણ તેમણે પૂરી પાડી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડે પ્રસંગને અનુરૂપ શાબ્દીક પ્રવચન કર્યુ હતું અને અંતમાં સમાજ સુરક્ષા બાળ એકમના કાઉન્સેલર શ્રીમતી છાયાબેન ચૌધરીએ આભારદર્શન કર્યુ હતું.