Western Times News

Gujarati News

IPLઈતિહાસમાં પ્રથમવાર ચેન્નાઈ ૧૦ વિકેટે હારી ગઈ

દુબઈ: ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહની ઝંઝાવાતી બોલિંગ બાદ ઈશાન કિશનની વિસ્ફોટક અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦ વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં કંગાળ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈના પ્રદર્શનમાં સહેજ પણ સુધારો જોવા મળ્યો ન હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ધોનીસેનાએ મુંબઈ સામે ૧૧૫ રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો. જેને મુંબઈએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાર પાડ્યો હતો. મુંબઈએ ૧૧.૨ ઓવરમાં ૧૧૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ઈશાન કિશને ૬૮ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી.

આ પરાજય સાથે જ ચેન્નઈની પ્લેઓફમાં પહોંચાવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચેન્નઈએ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૧૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ વિજય સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને ૧૦ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈનું અત્યાર સુધીનું આ સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત કોઈ ટીમ સામે ૧૦ વિકેટે હાર્યું છે.

અગાઉ વિકેટની દ્રષ્ટીએ તેનો સૌથી મોટો પરાજય મુંબઈ ઈન્ડિયન્સ સામે જ નોંધાયો હતો. ૨૦૦૮ની આઈપીએલમાં ચેન્નઈને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૯ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૧૧૫ રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ક્વિન્ટ ડીકોક અને ઈશાન કિશનની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્‌સમેનોએ ચેન્નઈના બોલર્સને એક પણ તક આપી ન હતી.

તેમાં પણ ઈશાન કિશને તોફાની બેટિંગ કરી હતી. આ જોડીએ ચેન્નઈને એક પણ સફળતા હાંસલ કરવા દીધી ન હતી. ઈશાન કિશન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને ડીકોકે તેને વધુમાં વધુ સ્ટ્રાઈક આપી હતી. ઈશાન કિશને ૩૭ બોલમાં ૬૮ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. જ્યારે ડીકોક ૩૭ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૬ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.