IPLની બાકીની મેચો ન રમનારા ખેલાડીના વેતન કપાશે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સિઝનની બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં રમાશે. ટુર્નામેન્ટની બાકીની મેચોમાં કેટલાક વિદેશી ખેલાડીઓની રમવાની સંભાવના ઓછી છે. આમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી પણ સામેલ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્સાઇડ સ્પોર્ટને જણાવ્યું કે, જાે વિદેશી ખેલાડી આઇપીએલ ૧૪ની બાકીની મેચ નહીં રમે તો તેમને પ્રો-રેટાના આધારે પૈસા ચૂકવવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની સેલેરી કાપવાનો અધિકાર હશે.
ઉલ્લેખનીય છે કે, જાે કોઇ ખેલાડી આઇપીએલની પૂરી સિઝન રમે છે તો તેને ૧૨ મહિનામાં ૩-૪ ભાગમાં સેલરી આપવામાં આવે છે. જાે કોઇ ખેલાડી પૂરી સિઝન ન રમી શકે તો આવામાં તેને પ્રો-રેટાના આધારે પૈસા ચૂકવવામાં આવે છે.
ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે, તેના ખેલાડી આઇપીએલના બીજા તબક્કા માટે યુએઇ નહીં જાય. ઇસીબી
અનુસાર, તેને પોતાનું શેડ્યુલ મેનેજ કરવું છે. તે ખેલાડીઓને ટી૨૦ વર્લ્ડકપ અને એશિઝ માટે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં લાવવા માંગે છે. આઇપીએલ માટે ઇંગ્લેન્ડના ખેલાડી રીલિઝ નહીં થાય.
જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ કહ્યું છે કે, તેના ખેલાડી આઇપીએલ સાથે નહીં જાેડાય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસન પાપોને બીડીક્રિકટાઇમને કહ્યું કે, શાકિબ અલ હસન પાસે બાકી આઇપીએલ મેચ રમવાનો કોઇ મોકો નથી. કેમ કે, ઇંગ્લેન્ડ તે સમયે એક સીરિઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે, તેને ઓનઓસી નહીં મળે.
ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર પેટ કમિન્સ પણ આઇપીએલ-૧૪ના બીજા તબક્કા માટે ઉપલબ્ધ નહીં રહે. પેટ કમિન્સને આઇપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં નહીં રમવાનું કોઇ કારણ આપ્યું નથી.