IPLમાં નવી બે ટીમોનો સમાવેશ થવાની સંભાવના, બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાશે
નવી દિલ્હી, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ની મહત્વની બેઠક 24 ડિસેમ્બરના યોજાશે. આ બેઠકમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નવી બે ટીમોને (ફ્રેન્ચાઈઝ)ને દાખલ કરવા તેમજ આઈસીસીમાં ભારતીય પ્રતિનિધિઓ અને ત્રણ નવા રાષ્ટ્રીય પસંદગીકારો જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ ઉપરાંત બેઠકના એજન્ડામાં નવા ઉપપ્રમુખની ચૂંટણી પણ છે. નોંધનીય છે કે બોર્ડે તેના તમામ સ્ટેટ એસોસિએશનોને 21 દિવસ અગાઉ તેમની બેઠકના 23 મુદ્દાનો એજન્ડા મોકલી આપ્યો હતો.
બોર્ડની બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો આઈપીએલમાં વધુ બે ટીમોને મંજૂરી આપીને કુલ 10 ટીમો કરવાનો છે. બોર્ડના આંતરિક સૂત્રોના મતે આઈપીએલમાં અદાણી જૂથ અને સંજીવ ગોયેન્કા આરપીજી જૂથ પોતાની ટીમ ઉતારવામાં રસ ધરાવે છે. જો બોર્ડ દ્વારા આઈપીએલમાં નવી બે ટીમો માટે લીલીઝંડી આપવામાં આવે છે તો અમદાવાદ અને પુણેની ટીમનો આઈપીએલમાં સમાવેશ થવાની સંભાવના છે.
આ ઉપરાંત બેઠકમાં આઈસીસી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બોર્ડના પ્રતિનિધિઓની પસંદગીનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. એક અંદાજ મુજબ બોર્ડના સચિવ જય શાહ વૈશ્વિક કમિટીમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરી શકે છે. દરમિયાન પસંદગીકારોના ચેરમેનની સાથે જ ત્રણ રાષ્ટ્રીય પસંદગીકારોનો મુદ્દો પણ બેઠકના એજન્ડામાં છે.
બોર્ડના વર્તુળોના મતે બેઠકમાં ભારતીય ટીમાના ભાવિ પ્રવાસ કાર્યક્રમને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ અને 2028ના લોસ એન્જલીસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટને રમત તરીકે સ્થાન આપવા જેવી બાબતો ઉપર પણ ચર્ચા થશે.