IPLમાં બુકી એક ખેલાડીના સંપર્કમાં આવ્યોનો ઘટસ્ફોટ
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં રમી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ખેલાડીએ ‘સટ્ટા માટે સંપર્ક’ કર્યાનો માહિતી આપી છે, જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ) હરકતમાં આવી ગઈ છે. કોરોના વાયરસના રોગચાળાને કારણે આઇપીએલની ૧૩ મી સીઝન યુએઈમાં બાયો-બબલ (જૈવિકરુપે સલામત વાતાવરણ) માં યોજાઇ રહી છે, આમ બહારના કોઈ શંકાસ્પદની ખેલાડી સાથે સીધી મુલાકાતની સંભાવના ઓછી થઈ છે. જો કે, ઓનલાઇન સંપર્કને લીધે તે એક ખતરો જ રહે છે. બીસીસીઆઈના એસીયુના વડા અજિતસિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
રાજસ્થાન પોલીસના પૂર્વ પોલીસ મહાનિર્દેશકે કહ્યું, હા (એક ખેલાડીએ સંપર્કની જાણ કરી છે)”. જ્યારે કથિત બુકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “અમે તેના પર નજર રાખી રહ્યા છીએ જેમાં થોડો સમય થશે. એન્ટી કરપ્શન પ્રોટોકોલ મુજબ, ગુપ્તતા માટે ખેલાડી (ભારતીય કે વિદેશી) અથવા ફ્રેન્ચાઇઝીનું નામ જાહેર કરાયું નથી. ગત વર્ષોથી વિપરીત, આ વર્ષે ખેલાડીઓ અને ટીમના સભ્યો બાયો-બબલમાં રહી રહ્યા છે, એસીયુ શક્ય ઓનલાઇન ભ્રષ્ટાચારના માધ્યમ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મોટાભાગના ખેલાડીઓ ખાસ કરીને યુવા ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર હોય છે
જ્યાં અજાણ્યા લોકો ચાહકો તરીકે તેમની મિત્રતા કરવાનો પ્રયાસ કરે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના વિદેશી હોય કે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ખેલાડીઓ, બધા ખેલાડીઓ (આઈપીએલમાં ભાગ લેતા) બધાએ ભ્રષ્ટાચાર વિરોધી સેશનમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું, ‘સૌથી સારી વાત એ છે કે જે ખેલાડીનો તરત સંપર્ક કરવામાં આવ્યો હતો તે સમજી ગયો કે કંઈક ખોટું છે. તેને શંકા હતી અને તેણે તરત જ તેની ચિંતાઓ એસીયુ સાથે શેર કરી. દરેક ખેલાડી, અંડર -૧૯ ખેલાડીઓ પણ, એન્ટી કરપ્શન પ્રોટોકોલથી સારી રીતે જાગૃત છે. બીસીસીઆઈએ યુકેની કંપની સ્પોર્ટરડાર સાથે જોડાણ કર્યું છે, જે આઈપીએલ દરમિયાન ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસીસ (એફડીએસ) દ્વારા સટ્ટાબાજી અને અન્ય ભ્રષ્ટ વ્યવહારને રોકવા માટે તેની ‘સેવાઓ’ પૂરી પાડશે.