IPLમાં ૨ નવી ટીમોના ૫૦ ખેલાડીઓને ટી૨૦ લીગમાં રમવાની તક મળશે
નવીદિલ્હી: આઇપીએલમાં આગામી સીઝનથી બે નવી ટીમોને સામેલ કરવામાં આવશે. ઓગસ્ટ સુધી તેનું ટેન્ડર બીસીસીઆઇ બહાર પાડી શકે છે. તેનાથી બીસીસીઆઇને તગડી કમાણી પણ થશે. અત્યાર સુધી આઇપીએલમાં ૮ ટીમો ઉતરતી રહી છે. હાલની આઇપીએલ સીઝનની વાત કરીએ તો ૪ મેના રોજ કોરોના કેસો સામે આવ્યા બાદ તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ૬૦માંથી ૨૯ મેચ રમાઈ ચૂકી છે. બાકી બચેલી ૩૧ મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યૂએઇમાં રમાશે. જાેકે, હજુ સુધી તેનું શિડ્યૂલ સામે નથી આવ્યું.
અહેવાલ અનુસાર, ઓગસ્ટમાં બીસીસીઆઇ બે નવી ટીમોના ટેન્ડર બહાર પાડી શકે છે. ઓક્ટોબર સુધી બે નવી ટીમો મળી શકે છે. ગોયન્કા ગ્રુપ અને અદાણી ગ્રુપ આઇપીએલ ટીમો ખરીદવાની રેસમાં છે. અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઇઝ શહેરોની રેસમાં આગળ છે. બે નવી ટીમો જાેડાયા બાદ મેચોની સંખ્યામાં પણ ૧૫થી ૨૦ મેચનો વધારો થશે. એવામાં બીસીસીઆઇ આગામી વર્ષે જાન્યુઆરીમાં મીડિયા રાઇટ્સને લઈને ટેન્ડર બહાર પાડી શકે છે.
અહેવાલ મુજબ, બીસીસીઆઇ ડિસેમ્બરમાં આઇપીએલનું મેગા ઓક્શન યોજી શકે છે. એટલે કે નવેસરથી ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જાેકે, તમામ ટીમો ચાર ખેલાડીઓને રીટેન કરી શકશે. પરંતુ તેના માટે શરત મૂકવામાં આવી છે. રિટેન કરવામાં આવેલા ખેલાડીઓમાં ત્રણ દેશી અને એક વિદેશી કે પછી બે દેશી અને બે વિદેશી ખેલાડી હોવા જરુરી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીત્યું છે.
બીસીસીઆઇના ઓક્શન દરમિયાન ટીમોની સેલર્સ પર્સ એટલે કે ઓક્શનમાં ખર્ચ કરવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પહેલા એક ફ્રેન્ચાઇઝી મહત્તમ ૮૫ કરોડ રૂપિયા ખર્ચ કરી શકતી હતી. તેને વધારીને ૯૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. એટલે કે ૫ કરોડનો વધારો કરાયો છે. જાે ૧૦ ટીમોની વાત કરવામાં આવે તો કુલ ૫૦ કરોડ રૂપિયાનો વધારો થશે. દરેક ટીમને પોતાના પર્સની ૭૫ ટકા રકમ ખર્ચ કરવાની રહેશે. આગામી ત્રણ સીઝનમાં તેમાં વધારે ચાલુ રહેશે. ત્યારબાદ ટીમોને હરાજી દરમિયાન બે વર્ષમાં ૯૫ કરોડ અને પછી ૧૦૦ કરોડ રૂપિયા મળશે.
એક આઇપીએલ ટીમમાં મહત્તમ ૨૫ ખેલાડીઓને રાખી શકાય છે. એવામાં બે નવી ટીમો જાેડાવાથી મહત્તમ ૫૦ નવા ખેલાડીઓને ટી૨૦ લીગમાં રમવાની તક મળશે. એક ટીમમાં મહત્તમ ૮ વિદેશી ખેલાડી રાખી શકાય છે. એવામાં ૩૪ દેશી અને ૧૬ વિદેશી ખેલાડી નવી ફ્રેન્ચાઇઝીનો હિસ્સો બની શકે છે. ૨૦૦૮થી આઇપીએલની શરૂઆત થઈ. ત્યારબાદથી તમામ મોટા દેશ પોતપોતાની ટી-૨૦ લીગનું આયોજન કરી રહ્યા છે.