IPL: નવી સિઝનમાં શ્રેયસ ઐયર કેકેઆરનો સુકાની
મુંબઈ, હાલમાં જ યોજાયેલાં ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા ભારતીય ટીમના બેટર શ્રેયસ અય્યરને અધધધ ૧૨.૨૫ કરોડ રૂપિયાની ઊંચી બોલી લગાવીને ખરીદવામાં આવ્યો હતો. હવે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે, શ્રેયસ અય્યર આગામી સિઝન માટે ટીમનો નવો કેપ્ટન હશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ ૨૦૨૦ની સિઝનમાં આઈપીએલ ફાઈનલમાં પહોંચી હતી તે સમયે શ્રેયસ અય્યર દિલ્હીની ટીમનો કેપ્ટન હતો. અને ૨૦૨૧ની સિઝન બાદ દિલ્હીની ટીમ દ્વારા શ્રેયસને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. અને ૨૦૨૨ની સિઝન માટે કેકેઆર દ્વારા ઈયોન મોર્ગનનું રિપ્લેસમેન્ટ પણ લાવવા માટે પણ નવા કેપ્ટનની શોધ કરી રહી હતી.
કેકેઆરના સીઈઓ વેંકી મૈસૂરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેટ્સમેન તરીકે તેણે અમને અને તમામ લોકોને ખુબ જ પ્રભાવિત કર્યાં છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે કેકેઆરના લીડર તરીકે સફળ થશે. તો આ અંગે શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, કેકેઆર જેવી ટીમમાં મને આવી મહત્વપુર્ણ જવાબદારી આપવા માટે ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું.
આઈપીએલ એક ટુર્નામેન્ટ તરીકે અલગ-અલગ દેશોના બેસ્ટ પ્લેયર્સ અને કલ્ચરને સાથે લાવે છે અને હું ખુબ જ ટેલેન્ટેડ ખેલાડીઓના ગ્રૃપને લીડ કરવા માટે આશાવાદી છું. હું કેકેઆરના માલિક, મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું કે જેઓએ મને ટીમને લીડ કરવા માટેની જવાબદારી આપી છે, અને મને વિશ્વાસ છે કે, ટીમના લક્ષ્યને હાંસલ કરવા માટે અમે યોગ્ય દિશામાં પગલાં ભરીશું.
કેકેઆર ટીમના હેડ કોચ બ્રેંડન મેક્કુલમે કહ્યું કે, અય્યરને ટીમમાં સામેલ કરીને અમે ખુબ જ ઉત્સુક છીએ. ભારતના ભવિષ્યના સૌથી બ્રાઈટેસ્ટ લીડર શ્રેયસ અય્યર ટીમમાં સામેલ થતાં હું રોમાંચની લાગણી અનુભવું છું તેવું પણ હેડ કોચ મેક્કુલમે કહ્યું હતું. હું શ્રેયસની ગેમની મજા માણું છું અને અને તેની પાસે શાનદાર સુકાનીપદ માટેની સ્કીલ્સ છે અને અમે હવે તેની સાથે કામ કરવા માટે અને કેકેઆરની રમતની જે સ્ટાઈલ છે અને સફળતાને આગળ વધારવા માટે કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલના મેગા ઓક્શનમાં બોલીવુડ કિંગખાન શાહરૂખ ખાનની માલિકીવાળી કોલકાતા નાઈટ રાઈડર્સે ભારતીય ટીમના સ્ટાર બેટર શ્રેયસ અય્યર પર મોટો દાવ રમ્યો હતો. કેકેઆરે શ્રેયસ અય્યરને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
આ સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, શ્રેયસ અય્યર કેકેઆરની ટીમનો કેપ્ટન બનશે. અને આજે કેકેઆરની ટીમ દ્વારા ટ્વીટ કરીન તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. ગત સિઝન સુધી શ્રેયસ અય્યર દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો અને ઋષભ પંત કેપ્ટન બન્યો તે પહેલાં દિલ્હીની ટીમનું સુકાનીપદ સંભાળતો હતો. જાે કે, તે ઈજાગ્રસ્ત થતાં પંતને ટીમનો કેપ્ટન બનાવાયો હતો, અને જ્યારે તે પરત ફર્યો ત્યારે તેને પંતના સુકાનીપદ હેઠળ રમવું પડ્યું હતું.SSS