Western Times News

Gujarati News

IPL-૧૫ઃ ક્રિકેટ સટ્ટામાં બુકી અને ખેલીઓ વચ્ચે ‘દંગલ’

(એજન્સી) અમદાવાદ, ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ની ૧પમી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં જ નહીં, પરંતુ સટ્ટાબજારમાં પણ તહેવાર જેવો માહોલ સર્જાયો છે. આઈપીએલ-૧પની ટૂર્નામેન્ટમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમનો ઉમેરો થયો છે.

આઈપીએલમાં મજબુત ટીમ કઈ છે તેનો અંદાજ બુકી અને ખેલીઓને હતો, જેના આધારે કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હતો, પરંતુ આ વખતની ટૂર્નામેન્ટમાં ઘણા ખરા ફેરફાર થયા છે અને ખેલાડીઓની પણ અદલાબદલી થઈ છે, જેના કારણે કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાબજારમાં બુકી અને ખેલીઓ વચ્ચે દંગલ સર્જાય તેવી શક્યતા છે. કોણ હારશે અને કોણ જીતશે તેની આગામી સમયમાં ખબર પડશે, પરંતુ બુકી અને ખેલીઓનો ખેલ ખતમ કરવા માટે પોલીસની ટીમો પણ તહેનાત થઈ ગઈ છે.

ક્રિકેટમાં સટ્ટો રમાડતા બુકીઓ અને સટ્ટો લગાવતા સટોડિયાઓ માટે આઈપીએલ એક તહેવાર છે, જેમાં તેઓ દિલ ખોલીને ક્રિકેટનો સટ્ટો રમતા હોય છે. ક્રિકેટમાં માત્ર હાર-જીત નહી, પરંતુ એક ઓવરમાં કેટલા રન થશે, કયો ખેલાડી સૌથી વધારે રન મારશે, કયો ખેલાડી ફલોપ જશે, બોલર કેટલી વિકેટો લેશો, સિકસર અને બાઉન્ડરી કેટલી ફટકારશે, છ ઓવરમાં કેટલા રન થશે તે મામલે પણ કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવમાં આવશે. ગત વર્ષે આઈપીએલ-૧૪માં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે આ વર્ષે ચેમ્પિયનશિપનો ખિતાબ કઈ ટીમ લઈ જશે તે કહેવું અઘરું છે.

દર વર્ષ કરતાં આ વર્ષે ક્રિકેટ સટ્ટો વધુ જાેર પકડશે. અંદાજિત એક હજાર કરોડ કરતાં વધુનો સટ્ટો અમદાવાદમાં રમાય તેવી શકયતા છે. મેચની હાર-જીત કરતાં કોણ કેટલા રન મારશે અને કઈ ટીમ કેટલો સ્કોર કરશે તેના ઉપર લોકો સટ્ટો વધુ રમશે.

હોટલ-વૈભવી રિસોર્ટ એક મહિના માટે બુક ઃ અમદાવાદના બુકીઓએ પોલીસની ઘોંસથી બચવા તેમજ આસાનીથી ક્રિકેટ સટ્ટો રમાડી શકાય તે માટે શહેરની આસપાસના હાઈવે પર આવેલા હોટલ-ગેસ્ટ હાઉસ બુક કરી દીધા છે. જયારે કેટલાક બુકીઓએ તો મકાન પણ ભાડે લઈ લીધા છે. જયા તેઓ સટ્ટો રમાડી શકે. બુકીઓ અમદાવાદ તેમજ અન્ય્‌ રાજયમાં પણ પહોંચી ગયા છે, જયાં પણ હોટલ અને વૈભવી રિસોર્ટ મહિના માટે બુક થઈ ગયાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બુકીઓ સટ્ટો રમાડવા માટે ડાયમંડ અને બીટાકયુલર નામની મોબાઈલ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. બીટાકયુલર અને ડાયમંડ એપ્લિકેશનનું હેન્ડલિંગ દુબઈથી કરવામાં આવે છે, જયાં અમદાવાદના બુકીઓને ખાસ પ્રકારનો પાસવર્ડ આપવામાં આવે છે.

દુબઈમાં બેઠેલા બુકીઓ આ એપ્લિકેશનમાં મેચમાં કેટલો ભાવ હશે તેનું વિગતવાર અપડેટ મોકલશે, જેના આધારે અમદાવાદના બુકીઓ ખેલીઓને ભાવ આપશે.

ક્રાઈમબ્રાંચ તથા પોલીસે ખેલીઓ તેમજ બુકીઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે અને તેમના ઉપર વોચ રાખવાનું પણ શરૂ કરી દીધું છે. પાનના ગલ્લા તથા કારમાં બેઠેલા લોકો પર પોલીસે વોચ રાખી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટ સટ્ટામાં પકડાઈ ચુકેલા બુકીઓ તેમજ ખેલીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એક પોલીસ કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે બુકીઓ સુધી પહોંચવા માટે પોલીસ પહેલા ખેલીઓને પકડશે.

પૂર્વ વિસ્તારના એક અધિકારી પાસે એક યુવક ફરિયાદ કરવા માટે ગયો હતો, જયાં આ અધિકારી સહિત પોલીસ કર્મચારીઓને ખબર પડી કે તે ક્રિકેટમાં બુકી પાસેથી લાખો રૂપિયા હારી ગયો તો તેનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.