IPL ૨૦૨૧માં કોરોનાની એન્ટ્રી, ટુર્નામેન્ટ રદ થવાનું જાેખમ
નવીદિલ્હી: આઇપીએલ ૨૦૨૧ માં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારબાદ હવે આ ટુર્નામેન્ટ પર રદ થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. આજે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિકેટર્સ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સ કોરોના પોઝિટિવ આવતા આજે સાંજે પ્રસ્તાવિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ હાલ ટાળવામાં આવી હતી
લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર્સને હાલ ક્વોરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. આ બંને ૩૦ વર્ષના છે. આ બંનેમાંથી વોરિયરને હાલની સીઝનમાં અત્યાર સુધી કેકેઆરની સાત મેચોમાંથી એક પણ મેચ રમવાની તક મળી નથી. કેકેઆરએ પોતાની ગત મેચ ૨૯ એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી અને પોઝિટિવ પરિણામો આવ્યા બાદ ટુર્નામેન્ટમાં ગભરાહટની સ્થિતિ થઈ શકે છે. મળતી માહિતી મુજબ બાયો બબલમાં બેદરકારીના કારણે આવું બન્યું છે. પોઝિટિવ આવેલા બંને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણની જાણ થતા બેંગલુરુની ટીમમાં પણ ચિંતા હતી અને તેઓ મેચ રમવા માટે બહુ ઉત્સુક નહતા.
ચક્રવર્તી ગુરુવારે મેચ બાદ ખભાના સ્કેન માટે હોસ્પિટલ ગયો હતો. ત્યારબાદ વાયરસના ઝપેટમાં આવ્યો. ટુર્નામેન્ટ વચ્ચે કોઈ ખેલાડી કે સહયોગી સ્ટાફની વ્યક્તિ પોઝિટિવ આવ્યાનો આ પહેલો મામલો છે. ભારતમાં રોજેરોજ કોરોના સંક્રમણના દૈનિક ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ૩૦૦૦થી વધુ લોકોના રોજેરોજ મોત થઈ રહ્યા છે. આવામાં આ નાનકડી ભૂલ ટુર્નામેન્ટને રદ કરાવી શકે છે.