કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય
દુબઈ: ક્વિન્ટન ડીકોકની આક્રમક અડધી સદી અને કેપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પોતાનું ધમાકેદાર ફોર્મ જારી રાખતા શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં અબુધાબી ખાતે શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ સામે ૧૪૯ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેને રોહિત અને ડીકોકની જોડીએ આસાન બનાવી દીધો હતો. મુંબઈએ ૧૬.૫ ઓવરમાં બે વિકેટે ૧૪૯ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ડીકોકે અણનમ ૭૮ રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી.
અગાઉ કોલકાતાએ પેટ કમિન્સની અણનમ અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ વિજય સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. મુંબઈ અને દિલ્હી બંને પાસે ૧૦-૧૦ પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટના આધારે મુંબઈ ટોચના સ્થાને પહોંચી ગયું છે. ૧૪૯ રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ ધમાકેદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડીકોકની ઓપનિંગ જોડીએ તાબડતોબ બેટિંગ કરીને લક્ષ્યાંકને આસાન બનાવી દીધો હતો.
આ જોડીએ પ્રથમ વિકેટ માટે જ ૧૦.૩ ઓવરમાં ૯૪ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. શરૂઆતથી જ આ જોડીએ કોલકાતાના બોલર્સની ધોલાઈ કરી હતી. કોલકાતાને શિવમ માવીએ પ્રથમ સફળતા અપાવી હતી. માવીએ રોહિત શર્માને આઉટ કરીને મુંબઈને પ્રથમ ફટકો આપ્યો હતો. રોહિત શર્માએ ૩૬ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૫ રનની ઈનિંગ્સ રમી હતી. કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે ૯૪ રનની ભાગીદારી નોંધાવનારા ક્વિન્ટન ડીકોકે આક્રમક બેટિંગ કરી હતી. ૯૪ રનની ભાગીદારીમાં રોહિતના ૩૫ રન હતા. તેના પરથી ડીકોકની આક્રમક બેટિંગનો ખ્યાલ આવે છે.
રોહિત બાદ બેટિંગમાં આવેલો અને વર્તમાન સિઝનમાં આક્રમક ફોર્મમાં રમી રહેલો સૂર્યકુમાર યાદવ ૧૦ બોલમાં ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, મુંબઈની બેટિંગનું મુખ્ય આકર્ષણ ડીકોકની બેટિંગ રહી હતી. ડીકોકે ૪૪ બોલમાં અણનમ ૭૮ રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જેમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ ૧૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૨૧ રન ફટકાર્યા હતા.