IPL 2022: ‘અમદાવાદ ટાઇટન્સ’ નામ સાથે અમદાવાદની ટીમ મેદાનમાં ઊતરશે
મુંબઈ, IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી અમદાવાદ ટાઈટન્સ તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશીષ નહેરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.
IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે, જેમાં 10 ટીમ ભાગ લઈ રહી છે.
બીસીસીઆઈએ કુલ 590 ખેલાડીને શોર્ટલિસ્ટ કર્યા છે, જેના પર બેંગલુરુમાં 2 દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમને આઈપીએલમાં સામેલ કરવામાં આવી છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું.
ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે.