IPL-2022: હરાજીમાં નહીં હોય ક્રિસ ગેઈલ અને સ્ટોક્સ
નવી દિલ્હી, ભારતીય બેટર શ્રેયસ ઐય્યર અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તથા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર આગામી મહિને યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટની હરાજીમાં ટોપ ડ્રોમાં સામેલ થઈ શકે છે. આ માટે ૧૨૦૦થી વધારે ક્રિકેટર્સે રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રેયસ ઐય્યર અને ચહલ ઉપરાંત હરાજી દરમિયાન ૧૦ ટીમો ઘણા ભારતીય ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે.
જેમાં અનુભવી ઓપનર શિખર ધવન, બેટર ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, હર્ષલ પટેલ અને અવેશ ખાન સામેલ છે. આ ઉપરાંત રાહુલ ચહર અને વોશિંગ્ટન સુંદર પણ ટીમોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. આ ભારતીય ખેલાડીઓ ૭થી ૧૫ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવી શકે તેમ છે.
જ્યારે વિદેશી ખેલાડીઓ કે જેમની મોટી બોલી બોલાઈ શકે છે તેમાં ડેવિડ વોર્નર, સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શનો સમાવેશ થાય છે. આ ઉફરાંત ઈંગ્લેન્ડના માર્ક વૂડ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ અને પેટ કમિન્સ પણ હોટ ફેવરિટ રહેશે. અનુભવી ખેલાડીઓ ફાફ ડુ પ્લેસિસ અને ડ્વેઈન બ્રાવો પણ રેસમાં છે.
આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૨૧૪ ખેલાડીઓએ હરાજી માટે રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી ૮૯૬ ભારતીય અનને ૩૧૮ વિદેશી ખેલાડીઓ છે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં મેગા ઓક્શન યોજાશે. આ ખેલાડીઓની પ્રારંભિક યાદી છે. આ યાદી તમામ ૧૦ ટીમોને મોકલવામાં આવી છે જેમાંથી ફ્રેન્ચાઈઝીને જે ખેલાડીઓમાં રસ હશે તેમના નામ જણાવશે. ત્યારપછી લિસ્ટ હરાજી માટે તૈયાર થશે.
હરાજી પહેલા ટીમોને ખેલાડીઓ રિટેઈન કરવાની ડેડલાઈન આપવામાં આવી હતી. મોટા ભાગની ફ્રેન્ચાઈઝીઓએ તેમના સ્ટાર ખેલાડીઓને રિટેઈન કર્યા છે. વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝીઓએ ૨૭ ખેલાડીઓ રિટેઈન કર્યા હતાં જેમાં દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોની, મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિરાટ કોહલીને રિટેઈન કર્યો છે.
આ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમો સામેલ થશે. એક ટીમ અમદાવાદની અને બીજી ટીમ લખનૌની હશે. અમદાવાદની ટીમે ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો સુકાની બનાવ્યો છે જ્યારે લખનૌ ટીમે લોકેશ રાહુલને સુકાની પદ સોંપ્યું છે. આ ઉપરાંત અન્ય સ્ટાર ખેલાડીઓ જેમને રિટેઈન કરવામાં આવ્યા છે તેમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કેન વિલિયમ્સન, જાેસ બટલર અને ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે.
આઈપીએલમાં યુનિવર્સલ બોસ ક્રિસ ગેઈલનો દબદબો રહ્યો છે પરંતુ છેલ્લી બે સિઝનથી તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જાેકે, આ વખતે વેસ્ટ ઈન્ડિઝનો આ વિસ્ફોટક બેટર હરાજીમાં સામેલ થવાનો નથી. આ ઉપરાંત ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જાેફ્રા આર્ચર પણ હરાજીમાં સામેલ થવાનો નથી. મિચેલ સ્ટાર્ક અને સેમ કરન પણ આ યાદીમાં સામેલ છે.
૨૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કેપ્ડ છે જ્યારે ૬૨ અનકેપ્ડ ખેલાડીઓએ પણ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભૂતાનના એક ખેલાડીએ પણ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે અમેરિકાના રેકોર્ડ ૧૪ ખેલાડીઓએ હરાજી માટે નામ નોંધાવ્યું છે. વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના છે. ઓસ્ટ્રેલિયાના ૫૯ અને સાઉથ આફ્રિકાના ૪૮ ખેલાડીઓએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ૪૧, શ્રીલંકાના ૩૬, ઈંગ્લેન્ડના ૩૦, ન્યૂઝીલેન્ડના ૨૯ અને અફઘાનિસ્તાનના ૨૦ ખેલાડી સામેલ છે. જ્યારે નામિબિયાના પાંચ, નેપાળના ૧૫, નેધરલેન્ડ્સના એક, ઓમાનના ત્રણ, સ્કોટલેન્ડના ત્રણ, ઝિમ્બાબ્વેના બે, આયર્લેન્ડના ત્રણ અને યુએઈના એક ખેલાડીએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે.SSS