Western Times News

Gujarati News

ચેન્નઈ સુપર કિંગ્સ ૧૦મી વખત ફાઈનલમાં પહોંચ્યુ

નવી દિલ્હી, ઓપનર ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ની ફાઈનલમાં પહોંચી ગયું છે. મંગળવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ચેન્નઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સામે ૧૫ રને વિજય નોંધાવ્યો હતો. શુભમન ગિલ અને રાશિદ ખાને લડાયક બેટિંગ કરી હોવા છતાં તેઓ ગુજરાતને જીતાડી શક્યા ન હતા. IPL 2023 CSK Final

જાેકે, ગુજરાત પાસે હજી પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. ગુજરાતે ટોસ જીતીને યજમાન ધોનીસેનાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડના ૬૦ અને ડેવોન કોનવેના ૪૦ રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ ૨૦ ઓવરમાં ૧૫૭ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે શુભમન ગિલે ૪૨ અને રાશિદ ખાને ૩૦ રન ફટકાર્યા હતા.

ગુજરાત સામે ૧૭૩ રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સહા અને ઈનફોર્મ શુભમન ગિલની જાેડી ઓપનિંગમાં આવી હતી. પરંતુ સહા ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો.

હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને દાસુન શનાકાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક ખોટો શોટ રમીને શનાકા આઉટ થયો હતો. તેણે ૧૬ બોલમાં ૧૭ રન નોંધાવ્યા હતા. સામે છેડે વિકેટો પડી રહી હતી ત્યારે ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો. અંતે દીપક ચહરે તેને આઉટ કરીને ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી.

શુભમન ગિલે ૩૮ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે ૪૨ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેવિડ મિલર ચાર અને રાહુલ તેવાટિયા ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને ૧૬ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૧૬ બોલમાં ૩૦ રન ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો પ્રયાસ ટીમ માટે પૂરતો ન હતો.

ચેન્નઈ માટે દીપક ચહર, મહીશ તિક્શના, રવિન્દ્ર જાડેજા અને પથિરાનાએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે તુષાર દેશપાંડેને એક સફળતા મળી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટીમ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જાેડીએ શાનદાર શરૂઆત કરી હતી.

આ બંનેએ આક્રમક શરૂઆત કરીને ટીમના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો. કોનવે અને ગાયકવાડની જાેડીએ ૧૦.૩ ઓવરમાં ૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી. કોનવે ૩૪ બોલમાં ૪૦ રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ગાયકવાડે ૪૪ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૬૦ રનની ઈનિંગ્સ રમી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.