IPL ૨૦૨૩ના નિયમ ઘણા ખેલાડીની કારકિર્દી ખતમ કરી દેશે?
નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનમાં કેટલાક નવા નિયમો આવવા જઈ રહ્યા છે. આવામાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જેના દ્વારા ચાલુ મેચમાં ટીમોને એક-એક ખેલાડીને બદલવાની તક મળી શકે છે. ફૂટબોલ સ્ટાઈલના આ અવેજી નિયમને લઈને ફેન્સમાં ઉત્સાહ છે. પરંતુ આઈપીએલની ટીમો પણ શું આનાથી ખુશ છે કે ઉત્સાહિત છે, આ એક મોટો પ્રશ્ન છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે આ નિયમની તરફેણમાં નથી અને તે ચોક્કસ ખેલાડીઓને લઈને ચિંતિત છે. લીગની નવી સિઝન ૩૧ માર્ચથી શરૂ થવાની છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં ટકરાશે.
આ મેચ સાથે આ સિઝનમાં કેટલાક નવા નિયમો દાખલ કરવામાં આવશે. ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ તેમાંથી એક છે, જેને ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રથમ વખત અજમાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત દરેક ટીમ શીટમાં ૪ વધારાના ખેલાડીઓના નામ આપવામાં આવશે.
તેઓ તેમની બેટિંગ અથવા બોલિંગ દરમિયાન આમાંથી કોઈપણ એક જ ખેલાડીને બદલી શકે છે. જાેકે દિલ્હીના કોચ રિકી પોન્ટિંગ આ નિયમથી બહુ પ્રભાવિત નથી. તેમનું માનવું છે કે આનાથી ખાસ કરીને ઓલરાઉન્ડરોનું મહત્વ ઘટશે.
શુક્રવાર ૨૪ માર્ચે, દિલ્હી કેપિટલ્સની મીડિયા વાતચીત દરમિયાન, પોન્ટિંગને આ નવા નિયમ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના પર પોન્ટિંગે ઓલરાઉન્ડરોની ભૂમિકા ઘટવાની સંભાવના વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ આગાહી કરી હતી કે ટીમો બેટિંગ અથવા બોલિંગ દરમિયાન સૌથી બેસ્ટ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારશે અને પછી જરૂર મુજબ તેમાં કોઈ ખેલાડીને ચેન્જ કરી સ્થાન આપશે.
આવી સ્થિતિમાં ઓલરાઉન્ડરોને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની શક્યતા ઓછી હશે. પોન્ટિંગે સ્વીકાર્યું કે કોઈપણ ઓલરાઉન્ડરને માત્ર પરફેક્ટ બેટ્સમેન કે બોલર તરીકે રમવાની ક્ષમતા પર જ તક મળવાની શક્યતા છે. પોન્ટિંગે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ દર્શાવ્યો હતો કે ટીમોને આ નવા નિયમ વિશે હરાજી પછી જ ખબર પડી હતી.
આઈપીએલ ૨૦૨૩ સીઝન માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બર ૨૦૨૩માં થઈ હતી. પોન્ટિંગે સ્વીકાર્યું કે જાે ટીમોને હરાજી પહેલા આ નિયમ વિશે ખબર હોત તો તેઓ ખેલાડીઓને ખરીદવા માટે અલગ રણનીતિ અપનાવી બેઠા હોત.SS1MS