IPLની સિઝનમાં સુરતના ટેકસટાઈલના વેપારીઓને રૂ.૭૦ કરોડનો બિઝનેસ મળ્યો

File
ખેલાડીઓના ડ્રેસના કાપડ જ્યુરિક મટીરિયલમાંથી તેમજ ટીમોના ફલેગ પ્લાસ્ટીક વેસ્ટ રીસાઈકલ કરીને ખાસ કાપડમાંથી સુરતમાં બને છે
સુરત, ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ શરૂ થઈ ગયો છે જેમાં દેશ વિદેશના ખેલાડીઓ રમતના મેદાન પર રનોનો વરસાદ કરતા હોય છે ત્યારે આ ખેલાડીઓ જે ટી શર્ટ સહિતના ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરે છે તે ડ્રેસના કાપડ સુરતમાં તૈયાર થાય છે
તો બીજી તરફ આઈપીએલના ફલેગ પણ સુરતમાં જ તૈયાર થાય છે અને તે પ્લાસ્ટિકના વેસ્ટને રિસાઈકલ કરીને તૈયાર કરવામાં આવે છે. સુરતના ટેકસટાઈલના વેપારીઓને ૭૦ કરોડ કરતા વધુનો બિઝનેસ આ આઈપીએલથી મળે છે.
આઈપીએલમાં સુરતના ટેકસટાઈલ સાથે સંકળાયેલા લોકોને સારો એવો બિઝનેસ મળે છે. ખેલાડીઓ દ્વારા જે ટી-શર્ટ પહેરવામાં આવે છે અને આઈપીએલના અલગ અલગ ટીમના ફલેગ સુરતમાં તૈયાર થાય છે. ખાસ રીતે તૈયાર થયેલા ફેબ્રિકમાંથી જર્સી અને ટ્રેક પેન્ટ બનાવવામાં આવે છે
જેમાં જ્યુરિક મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે જે પોલિસ્ટર કાપડ હોય છે તો જે ફલેગ બનાવવામાં આવે છે તે ફલેગ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલ્સ, ગ્લાસ જે ફેકી દેવામાં આવે છે તે ભેગા કરીને તેને રિસાયકલ કરવામાં આવે છે અને એક પ્રોસેસ બાદ તેમાંથી તૈયાર થતાં કાપડ પર ફલેગ બનાવવામાં આવે છે.
વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએશન કરતા સુરતના પાંડેસરા સ્થિતિ મિલકતના સંચાલક પ્રવિણભાઈએ કહ્યું કે, સુરત એક એવી જગ્યા છે કે જે કોઈપણ વસ્તુમાંથી બિઝનેસ શોધી લે છે. વાત આઈપીએલની હોય ત્યારે સુરત ટેકસટાઈલ હબ છે તે સુરત પાછળ રહેતું નથી.
હું ચાર વર્ષથી અલગ અલગ ફલેગ બનાવું છું. અગાઉ ટી-ર૦ વર્લ્ડ કપ માટે પણ ફલેગ બનાવ્યા હતા. તમામ ફલેગ ફેંકી દેવામાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવાય છે. આ ફલેગ જૂના થયા બાદ પણ તે રીસાઈકલ કરીને ફરી નવા બનાવી શકાય છે.
બીજી તરફ આઈપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે જે ડ્રેસ બને છે. તે એક લાઈટ વેઈટ ફેબ્રિક હોય છે. ડ્રાય-ફિટ હોવાની સાથે યુવી પ્રોટેકટેડ હોય છે. ખેલાડીઓ જ્યારે રમે છે ત્યારે તેમના મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ બનાવવામાં આવે છે.
અગાઉ આ કાપડ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ સરકારની પોલિસીમાં ફેરફાર બાદ તેનું ઈમ્પોર્ટ બંધ થઈ ગયું છે જેના કારણે કાપડ ઉદ્યોગને લાભ પણ થયો છે. પહેલાં આ કાપડ ચીનમાંથી રોજ ૮૩પ ટન આવતું હતું પરંતુ હવે સુરતમાં આ ફેબ્રિક તૈયાર થાય છે. માત્ર આઈપીએલની સિઝનમાં રૂ.૭૦ કરોડથી વધુનો વેપાર સુરતના અલગ અલગ વેપારીઓને મળ્યો છે.