IPS ઑફિસરોની બદલીની સંભાવના, ૬૦થી વધુ બદલાશે
ગાંધીનગર: ગાંધીનગરમાં શું સરકારી કચેરીઓમાં શું બને છે તે જાણવાની તાલાવેલી દરેક લોકોને હોય છે. ખાસ કરીને બ્યૂરોક્રસીની ગોસિપ વાંચવાની લોકોને મજા પડે છે. દર સોમવારે અમે પાવર કૉરિડોરના મથાળા હેઠળ આવી જ કેટલીક ગોસિપ વિશે જણાવીશું. તાજેતરમાં રાજ્યમાં થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને હવે આવનાર બદલીઓ ઘણી મહત્ત્વપૂર્ણ છે. પહેલા જ ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી થઇ ચૂકી છે. હવે ફરી એક વખત ૬૦ જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો તૈયાર છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે ચૂંટણી પહેલાં જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનર અને વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ફેરબદલ થશે.
ગૃહ વિભાગના સૂત્રોનું માનીયે તો ૬૦થી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી થવાની સંભાવના છે. આ વિભાગમાં બદલી સાથે અડધો ડઝન ઓફિસરોને બઢતી પણ આપવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાલમાં જ થયેલી ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં ફેરબદલીની સંભાવના અને ચર્ચાઓ તેજ બની છે. અમિત શાહ સાથે પ્રાથમિક તબક્કે બદલીઓ મુદ્દે સીએમ રુપાણીએ ચર્ચા પણ કરી હોવાનું કહેવાય છે. જાેકે, તમામ બદલીઓ રથયાત્રા પહેલા થાય તેવા કોઇ સંકેત નથી. પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરો ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર માળખું બદલાય તેવી સંભાવના છે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તેમજ આગામી બિગ પ્રોજેક્ટસને અનુલક્ષીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પોલીસ કમિશર પણ બદલાય તેવી સંભાવના ગૃહ વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.
ગુજરાતના વહીવટી તંત્રમાં એવા કેટલાય આઇએએસ ઓફિસર્સ છે જેઓ મલ્ટીટેલેન્ટેડ છે. જેમણે વહીવટી તંત્રમાં તેમને ફળવાયેલા ડિપાર્ટમેન્ટ સિવાય પણ અન્ય જગ્યાઓએ તેમની વિશિષ્ટ આવડતોની નોંધ લેવડાવી છે. જાપાન ડેપ્યુટેશન પર ગયેલા આઇએએસ મોના ખંધાર સારુ ગાય છે. હાયર એજ્યુકેશનમાંથી શ્રમ અને રોજગારના અગ્રસચિવ બનેલા અંજુ શર્મા સારા લેખિકા છે. મહિલા બાળ વિકાસના ડીરેક્ટરમાંથી પોરબંદરના કલેકટર બનેલા અશોક શર્મા એક સારા એક્ટર હોવા ઉપરાંત નિયમિત કટાર લેખક પણ છે. આવા જ મલ્ટીટે લેન્ટેડ અધિકારીઓની શ્રેણીમાં પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ અને હાલ પુડ્ડુચેરી ખાતે ડેપ્યુટેશન પર મોકલાયેલા ડૉક્ટર જયંતિ રવિનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત છોડીને પુડ્ડુચેરી પહોંચે તે પહેલા જ ગુરુવારે તેઓએ તેમના પુસ્તક સિલ્વર ટ્રી લાઇફનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિમોચન કરાવ્યું છે. ‘સિલ્વર લાઇફ ટ્રી’ તેમનું ચોથું પુસ્તક છે. અગાઉ તેઓ ‘સિલ્વર લાઇનિંગ,’ ‘સેનિટી ઇન સેનિટેશન,’ ‘સિમ્ફની ઑફ એટરનિટી’ જેવા પુસ્તકો લખી ચૂકયા છે. જયંતિ રવિની ૨૦૦ પાનાની આ નવી બુક ‘સિલ્વર લાઇફ ટ્રી’માં તેમણે રોજબરોજના તેમના અનુભવોની જીવનમાં પ્રેરણા આપે તેવી ઘટનાઓને સંકલિત કરેલી છે. સસ્ટેનેબલ ગોલ્સ, હેલ્થ, લીડરશીપ, બંધારણ, આકાશ અને ઉપગ્રહોની દુનિયા, પર્યાવરણ, સંસ્કૃતિ વિરાસત, સ્વચ્છતા જેવા વિષયો સાથે જાેડાયેલી ઘટનાઓને સંકલિત કરીને તેઓએ આ પુસ્તક લખ્યું છે.
હાલ તો આ પુસ્તક અંગ્રેજીમાં છે, પરંતુ થોડા જ સમયમાં ગુજરાતી ભાષામા પણ આ પુસ્તક ઉપલબ્ધ બનશે. આ પુસ્તકથી મળનાર તમામ રોયલ્ટી તેઓએ ગ્રામ્ય વિસ્તારના ગરીબોના ઉત્થાન માટે ખર્ચવાનો ર્નિણય કર્યો છે. ગયા અઠવાડિયે જ રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી થઇ છે. હાલ તમામ અધિકારીઓ તેમના નવા બદલી સ્થળે ગોઠવાઇ ગયા છે. પરંતુ, એમાંના ઘણાં એવા છે જેમને હજુપણ એ સમજમાં નથી આવી રહ્યુ કે તેમને મળેલું ડિપાર્ટમેન્ટ ખરેખર તેમની કદર સ્વરુપે છે કે સજા સ્વરુપે! તેઓ પ્રમોટ થયા છે
સાઇડ લાઇન? આ બદલી દરમિયાન જેમને સચિવાલયમાં જ એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલાયા છે તેમાંના ઘણાં અધિકારીઓ પોતાને મળેલા પોર્ટફોલિયોને લઇને દ્વિધામાં છે. કેટલાકને તો ખરેખર તેમના અગાઉના ડિપાર્ટમેન્ટ કરતા દેખીતી રીતે મોટું અને મહત્ત્વનું ડિપાર્ટમેન્ટ મળ્યું હોવા છતાં તેઓ અસમંજસમાં છે. તેમને પોતાને મળેલા નવા ડિપાર્ટમેન્ટ કરતા તેમનુ જૂનું ડિપાર્ટમેન્ટ જ વધુ મહત્ત્વનું લાગી રહ્યુ છે. તેઓ પોતાના અન્ય વેલવિશર અધિકારીઓ સાથે ચર્ચા કરતા સંભળાય છે કે ખરેખર તેઓની સાથે જે થયું તે યોગ્ય થયું છે કે કેમ? આ ૭૭ આઇએએસના ગંજીપામાં કેટલાક પોસ્ટિંગ આશ્ચર્યજનક છે. તો કેટલાક અધિકારીઓની વર્તણૂંક આશ્ચર્યજનક જાેવા મળી છે.