અણુ પ્રોગ્રામ અંગે અમેરિકા સાથે સીધી મંત્રણાનો ઇરાનનો ઇનકાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ર પછી ઇરાનની પ્રતિક્રિયા
કેબિનેટ બેઠકમાં પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે અમે વાતચીત ટાળતા નથી, પરંતુ વચનોનો ભંગ જ અત્યાર સુધી અમારા માટે સમસ્યાઓનું કારણ બન્યો છે
દુબઈ,
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પત્રના જવાબમાં ઇરાનને તેના ઝડપથી વિકસી રહેલા અણુ પ્રોગ્રામ અંગે અમેરિકા સાથે સીધી વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યાે હતો. ટ્રમ્પે ૧૨ માર્ચે ઇરાનના સર્વાેચ્ચ નેતાને પત્ર લખીને મંત્રણાની દરખાસ્ત કરી હતી. આ પત્રનો જવાબ આપતા ઇરાનને આ દરખાસ્તને ફગાવી દીધી છે. ઇરાનના આ વલણથી પરમાણુ કાર્યક્રમના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ બની શકે છે. ટ્રમ્પે ઇરાનના વલણ બાદ વધુ પ્રતિબંધોની સાથે સાથે ટેરિફ લાદવાની ચીમકી આપી છે.
તેની સાથે સાથે એવું પણ કહ્યું છે કે જો ઇરાન બે મહિનાની અંદર ન્યૂક્લીયર ડીલ અંગે વાટાઘાટો નહિ કરે તો અત્યારસુધી નહિ જોયા હોય તેવા બોમ્બિંગ માટે તૈયાર રહે. ઇરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે ઓમાનના સલ્તનત દ્વારા આપવામાં આવેલા ઈરાનના પ્રતિભાવથી વોશિંગ્ટન સાથે પરોક્ષ વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો,૨૦૧૮માં વિશ્વના શક્તિશાળી દેશો સાથે ઇરાનની અણુ સમજૂતીમાંથી અમેરિકાને દૂર કરવાના ટ્રમ્પના પ્રથમ ટર્મના એકપક્ષીય નિર્ણયને કારણે આવી મંત્રણામાં કોઇ પ્રગતિ થઈ નથી.
કેબિનેટ બેઠકમાં પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે અમે વાતચીત ટાળતા નથી, પરંતુ વચનોનો ભંગ જ અત્યાર સુધી અમારા માટે સમસ્યાઓનું કારણ બન્યો છે. તેઓએ સાબિત કરવું પડશે કે તેઓ વિશ્વાસનું ઘડતરી કરી શકે છે.ઇરાનના પ્રેસિડન્ટની આ ટીપ્પણી પછી અમેરિકાની કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. ટ્રમ્પના પત્ર પછી ઇરાનને તેના વલણને વધુ આકરું બનાવ્યું હતું. ટ્રમ્પનો પત્ર ઇરાનને ૧૨ માર્ચે મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે પત્ર લખ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ ઇરાનના સુપ્રીમ નેતાને શું દરખાસ્ત કરી હતી તેની વધુ વિગતો આપી ન હતી.