Western Times News

Gujarati News

શું સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવવા એ ગ્રાહકોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે?

પ્રતિકાત્મક

‘પીક અવર્સમાં વીજ વપરાશનો ચાર્જ વધી જશે’ ઓલ ગુજરાત ઈલેક્ટ્રીસિટી યુઝર્સ એસો. દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરતું આવેદનપત્ર અપાયું

વડોદરા, એમજીવીસીએલ દ્વારા વડોદરામાં વિવિધ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવતા વિરોધ વંટોળ ઊભો થયો છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટરનો ભોગ બનેલા વીજ ગ્રાહકો તેનો જબરદસ્ત વિરોધ નોંધાવી રહ્યા છે. વડોદરામાં વિવિધ વિસ્તારમાં અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે.

લોકોના આક્રોશનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી લઈને આગેવાનો ભોગ બની રહ્યા છે. તેવા સંજોગોમાં ઓલ ગુજરાત ઈલેકટ્રીસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા કલેકટરાલય મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલી તાત્કાલિક અસરથી વીજ વિતરણ કંપનીના દ્વારા લગાવવામાં આવતાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર બંધ કરવાની માગણી કરવામાં આવી છે.

વડોદરામાં ઓલ ગુજરાત ઈલેકટ્રીસિટી યુઝર્સ એસોસિએશનના કન્વીનર ઈન્દ્રજીતસિંહ ગ્રોવર તથા દીપક વાઢેરે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વડોદરામાં તો વીજ કંપનીએ રાતોરાત લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. લોકોની સંમતિ અને મંજૂરી લીધા વગર સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરીને લોકોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

હવે ગ્રામ્ય કક્ષાએ પણ મીટરનો વિઋરોધ શરૂ થયો છે કારણ કે લોકોને ખબર જ નથી કે કેવી રીતે ટેરિફ વસૂલવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં તો વીજ બિલમાં યુનિટ વપરાશના સ્લેબ તેમજ ફ્યુલ ચાર્જને લઈને થોડી પણ પારદર્શિતા હતી પણ નવા મીટરને લઈને ગ્રાહક સાવ અંધારામાં છે.

ઓલ ગુજરાત ઈલેકટ્રીસિટી યુઝર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, પહેલાં લોકોને બિલ ભરવા માટે ૧૦થી ૧પ દિવસનો સમય મળતો હતો પણ હવે તો રિચાર્જ નહીં કરાવ્યું હોય તો જોડાણ કપાઈ જશે. લોકો સ્માર્ટ મીટરોમાં છ ગણુ પેમેન્ટ કરી રહ્યા છે તેવું અમારા ધ્યાનમાં આવ્યું છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટરના કિસ્સામાં લઘુત્તમ કોન્ટ્રાક્ટ લોડ ધરાવતા ગ્રાહકો જો કોન્ટ્રાક્ટ લોડ કરતાં વધારે વીજ વપરાશ કરશે તો તેમણો વીજ સપ્લાય જોખમમાં આવી શકે છે.

સાથે સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ટાઈમ ઓન ડેટ ટેરિફ સિસ્ટમ શરૂ કરાશે. જેમાં ટેરિફ બજારની માંગના આધારે નક્કી થશે. ખાસ કરીને રાત્રે વીજ વપરાશના દર વધી જશે.

એસોસિએશને ડર વ્યક્ત કર્યો છે કે અત્યારે ભલે કૃષિ જોડાણો સ્માર્ટ મીટરમાં બાકાત હોય પણ આગામી દિવસોમાં ખેડૂતોને અપાતી ઈલેકટ્રીક સબસિડી પાછી ખેંચી લેવામાં આવશે અને તેના કારણે કૃષિ પેદાશોની કિંમતમાં વધારો થશે. વીજ ઉત્પાદનનો ખર્ચ પણ આખા દેશમાં એક સરખો થઈ જશે. જો કે, સવાલ એ છે કે, દિલ્હી-પંજાબ અને કર્ણાટક જેવા રાજ્યો દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફત આપી શકતા હોય તો ગુજરાત કેમ ના આપી શકે ?

તેઓએ જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ઉદ્યોગોને ઈલેકટ્રીસિટી ડ્યુટીમાં લગભગ રૂપિયા ર૮૦૦ કરોડની સબસિડી, માફી કે મુક્તિ આપી છે. સરકારે તમામ ઝોનમાં પાંચ વર્ષ અને સેઝમાં દસ વર્ષ માટે ઔદ્યોગિક ગૃહોને વીજળી પરની ડ્યુટી માફ કરી છે. જ્યારે સામાન્ય લોકોના વીજ બિલો વધી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.