Western Times News

Gujarati News

જીવનસાથીને બધી વાત કરવી જરૂરી છે?

સ્ત્રી અને પુરુષ લગ્ન કરતી વખતે અગ્નિદેવની સમક્ષ મંગળ ફેરા ફરતા ફરતા ગોર મહારાજ દ્વારા શ્ર્‌લોકો દ્વારા અરસપરસ એક બીજા પર વિશ્વાસ તથા શ્રધ્ધા રાખવા સમજાવે છે તથા શ્રધ્ધા રૂપી હલેસાથી સંસાર રૂપી નૌકા દ્વારા જીવન રૂપી દરિયાની સફરે મંજીલ કાપતા જિંદગીભર સુખીમય બની રહો તેવો સંદેશો મંત્રો દ્વારા વર વધુને ચોરીમાં કહેતા હોય છે.

જીવનસાથી સાથે રહેતા સંસાર ભોગવતા ‘વિશ્વાસ એક સફળતાનો મોટો પાયો છે’ જેથી બન્નેએ એકબીજાથી વાત છૂપાવી ન જોઇએ તથા એકમેકના પૂરક બની રહેતા શંકા રૂપી કીડા જીવનમાં ખદબદે નહિ. જે દિવસે વાત છૂપાવવાથી શંકાનો કીડો સળવળતા બન્નેનું જીવન ખેદાનમેદાન થતાં વાર લાગતી નથી અને હર પળે તેઓના જીવનમાં કુશંકા રૂપી પ્રશ્નો ઉદ્દભતા બન્નેની જિંદગી દુઃખમયી તથા રસહીન બની જાય છે. જીવનસાથીને વિશ્વાસમાં લેતા કમળ રૂપી સંસાર સોળ કળાએ ખીલી ઉઠે છે તથા સંસારમાં સ્વર્ગ સમુ સુખ મળે છે.

ભૂતકાળમાં પોતાનાં જીવનમાં બની ગયેલી ઘટનાનો પણ ઘટસ્ફોટ કરતાં ગભરાવું ન જોઇએ જેથી વર્તમાનકાળમાં તથા ભવિષ્યકાળ અંધકાર બની ન રહે. પોતાનાં જીવનમાં બની ગયેલી અમુક વાતથી જીવનસાથીને દુઃખ ન થાય તે માટે વાતને ક્યારે અને કેવી રીતે કરવી તે પણ એક કળા છે જેથી વાત છુપાવવાનું પોતાનાં દિલ માં રંજ રહેતો નથી તથા તે પાપમાંથી છૂટકારો રહે છે તથા ભવિષ્યમાં તે વાતનો મન પર બોજો પણ ન રહેતાં હરહમેંશ મન પ્રફુલ્લિત રહે છે.

પોતાના જીવનમાં બની ગયેલું જૂનું પ્રેમ પ્રકરણ હોય કે પોતાની શારિરિક અથવા માનસિક ખામી હોય કે કોઇ પણ આર્થિક સ્થિતિની વાત પહેલેથી જ પોતાનાં જીવનસાથીને વાકેફ કરતા એકબીજા પર વિશ્વાસ વધી જાય છે.

વિશ્વાસ રૂપી નિસરણીથી જીવનભર સંસારના સફળતાના દ્વાર ખોલવામાં મદદ રૂપ બની રહે છે.

‘કહે શ્રેણુ આજ’ કહી દે તુજ જીવનસાથીને છૂપી અંગત વાત ભૂતકાળની આજ,
કરી લે હળવો બોજો તુજ મનડા પરથી આજ.

નહિ રહે ચિંતા, નહિ રહે ફીકર કે નહિ રહે માનસિક તાણ તુજને હવે પછી,
બની જાશે મનડું તારૂં પ્રફુલ્લિત અને બની જાઇશ નિર્ભય અને સુખાકારી હવે પછી.

જીવન યાત્રા દરમિયાન હકીકતમાં જીવનસાથી જ મદદરૂપ બની રહે છે તથા એકમેકની તકલીફોમાંથી બહાર લાવવામાં રસ્તો શોધી આપે છે. એક જણ બીજાને અંગત વાત કરતાં સંકોચ નહિ પામે તો બીજું પાત્ર પણ પોતાની અંગત વાત કહેતા ક્ષોભ નહિ પામે જેથી જીવન યાત્રામાં સફર કરવામાં બન્નેને મજા રહેશે.
પ્રત્યેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે આ ઉક્તિને બદલીને પ્રત્યેક જીવનસાથીની સફળતા પાછળ બન્ને પાત્રો જ હોય છે.તે કહેવું પણ વધારે ઉચ્ચિત છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.