વિધાનસભામાં કલાકારોને બોલાવીને સરકાર ભેખડે ભરાણી છે?

ગત તા.૧૦/૦૩/૨૫ના દિવસે ગુજરાત વિધાનસભામાં આશરે એક ડઝન કલાકારોને બોલાવી, તેઓનું સામૈયું કરી, તેઓને ગેલેરીમાં બેસાડી અને તેઓની હાજરીનો ચાલું વિધાનસભામાં વારંવાર ઉલ્લેખ કરાવ્યા બાદ હવે સરકાર ભેખડે ભરાણી છે.
ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ગાયક વિક્રમ ઠાકોરે પોતાને અને પાટીદાર સમાજના સાગર પટેલે પટેલ સમાજના કલાકારોને નિમંત્રિત ન કરાયા તે પરત્વે વિરોધ વ્યક્ત કર્યો છે.
વિક્રમ રાઠોડ તો વળી એક એવો વિશ્વ રેકોર્ડ ધરાવે છે કે તેણે જે ૩૦ ફિલ્મમાં કામ કર્યું છે તે તમામ ફિલ્મોના દરેક પાત્રમાં તેનું નામ વિક્રમ ઠાકોર જ રાખ્યું છે.કોઈ ભાષાની કોઈ ફિલ્મમાં આવું બન્યું નથી.
આ કારણે વિક્રમને ઉતર ગુજરાતનાં ગ્રામ વિસ્તારમાં ભારે લોકપ્રિયતા મળી છે.આ જાહેર વિરોધ પછી હવે વિક્રમ ઠાકોર અને સાગર પટેલ આગળ શું પગલાં લેશે એ જોવું રસપ્રદ બનશે. બાકી પ્રચંડ બહુમતિ ધરાવતી આ સરકારને આવા વિરોધથી કોઈ ફરક પડવાનો નથી એ નક્કી છે હોં!
વિધાનસભાનાં સત્ર દરમિયાન માહિતી ખાતાની સુંદર કામગીરી
ગુજરાત સરકારના માહિતી ખાતાનું વર્ક કલ્ચર ભારતીય લશ્કર જેવું છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાયમ તૈયાર જ હોય. આનો અનુભવ વિધાનસભાની કામગીરીનું રીપોર્ટગ કરતા પત્રકારોને પંદરમી ગુજરાત વિધાનસભાનાં છઠ્ઠા સત્ર દરમિયાન થયો.ન્યૂઝ એન્ડ મિડીયા રીલેશન શાખાની આખી ટીમ નવી છે.
તેમ છતાં નાયબ નિયામક દિલીપ ગજ્જરના નેતૃત્વ તળે સમગ્ર સત્ર દરમિયાન આ ટીમની કામગીરી સરાહનીય રહી.ખાસ તો બજેટ રજૂ થવાના દિવસે આ ટીમે અદભૂત કહી શકાય તેવી કામગીરી કરી.બજેટ અંગેની તમામ માહિતી પત્રકારોને ઝડપથી અને સમયસર મળી રહે એવું તંત્ર આ ટીમે ગોઠવ્યું હતુ.
માહિતી ખાતાની એક વિશેષતા એ છે કે એ ખાતામાં ટીમ વર્કથી કામ થાય છે.વળી એ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ વચ્ચે ભાઈચારો પણ ખૂબ મજબૂત છે.એને કારણે એવું બને છે કે કોઈ અધિકારી/કર્મચારી ગેરહાજર હોય તેને ભાગે આવતું કામ બીજી વ્યક્તિ સરસ રીતે સંભાળી લે,તેને કારણે કામમાં કશે ખાંચો ન પડે.માહિતી નિયામક કે.એલ.બચાણી અને સમગ્ર માહિતી ખાતુ આ માટે અભિનંદનનું અધિકારી તો ખરું જ હોં!
આઈ.પી.એસ.અધિકારીઓએ આઈ.એ.એસ. અધિકારીઓને હરાવી દીધા!
ગુજરાતની આઈ.એ.એસ. અને આઇ.પી.એસ.લોબી વચ્ચે આમ તો ખટરાગ અને અહમના ઝગડા અંદરખાને ચાલ્યા જ કરતાં હોય છે અને એમાં આઈ.એ.એસ.કેડરનો હાથ લગભગ હંમેશા ઉપર રહેતો હોય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની કે તેમાં આઈ.પી.એસ. અધિકારીનો હાથ ઉંચો રહ્યો.
બન્યુ એવું કે આ બન્ને કેડર વચ્ચે મુખ્ય સચિવ પંકજ જોષી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ૨૦-૨૦ ઓવરની ક્રિકેટ મેચ યોજાઇ. તેમાં આઈ.એ.એસ. ઓફિસરોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી.સારી શરુઆત બાદ આ કેડરનો ધબડકો થયો અને તેઓનો દાવ ૧૩૩ રને પુરો થયો.
એ પછી આઈ.પી.એસ.કેડરે સુંદર રમત રમીને ૧૯ ઓવરમાં જ જોઈતા રન બનાવી લીધા અને વિજય મેળવી લીધો.આ રીતે હવે આઈ.પી.એસ.કેડરે આઈ.એ.એસ. કેડરને હરાવવાની શરૂઆત કરી દીધી છે.હવે જોવું રસપ્રદ થઈ પડશે કે વહીવટીમા આવી સફળતા આઈ.પી.એસ.કેડરને મળે છે કે નહીં?
સુરજ પર ધુળ ઉડાડો એથી એને શું ફરક પડે? – પ્રદીપસિંહ વાઘેલા
એક જમાનામાં ગુજરાત ભા.જ.પ.ના સર્વેસર્વા રહી ચૂકેલા પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી તા.૫ ઓગસ્ટ, ૨૦૨૩માં રાજીનામું આપ્યું હતું.એ પછી ૧૮ મહિના બાદ વાઘેલાએ મોઢું ખોલ્યું છે અને જણાવ્યું છે કે મેં ભૂતકાળમાં કદી ખોટું કર્યું નથી અને ભવિષ્યમાં કદી ખોટું કરવાનો નથી.
મારા લીધે કુટુંબના વડીલો કે (ક્ષત્રિય)સમાજનાં આગેવાનોને નીચું જોવું પડે એવું કદી નહીં થાય. તેઓએ ઉમેર્યું કે મારી છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પણ સુરજ પર ધુળ ઉડાડો એથી એને શું ફરક પડે? વાઘેલાએ એવું પણ કહ્યું કે જેઓને રાજનીતિમાં આવવું છે તે લોકો મારી સાથે જોડાઈ શકે છે.
વાઘેલાનું આ જાહેર નિવેદન સૂચવે છે કે સંભવતઃ તેમને ભા.જ.પ.ના સક્રિય રાજકારણમાં પરત લાવવા માટે પક્ષે તૈયારી આરંભી દીધી છે! જોઈએ હવે આગે આગે હોતા હૈ ક્યા?
હેં, સામાન્ય વહીવટ વિભાગને કાગળોનો વપરાશ ઘટાડવા માટે સૂચના આપવી પડે?
ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે તા.૨૧/૦૩/૨૫ના દિવસે એક પરિપત્ર બહાર પાડીને કાગળોનો વપરાશ ઘટાડવા માટે સાત જેટલી સૂચનાઓ ગુજરાત સરકારની તમામ કચેરીઓને આપી છે.
સરકાર જ્યારે પેપર લેસ પદ્ધતિથી સરકાર ચલાવવાનો અભીગમ ધરાવે છે
ત્યારે આવી સૂચનાઓ આપવી પડે એ સૂચવે છે કે કાં તો સરકારે પોતાના કર્મચારીઓને આ માટે યોગ્ય તાલીમ આપીને વ્યવસ્થિત રીતે તૈયાર નથી કર્યા અથવા સરકારના અધિકારીઓ અને કર્મચારીઓનાં વર્ક કલ્ચરમાં કશેક ખામી છે! સાચું શું છે એ તો રામ જાણે!