વાગરાની મુલેર ચોકડી નજીક સસ્તુ સોનુ મેળવવાના ચક્કરમાં ઈસમે પાંચ લાખ ગુમાવ્યા
કાળા કાચની નંબર વગરની કારમાં આવેલા છ ગઠિયાઓએ ફરિયાદીને મારમારી પાંચ લાખની લૂંટ ચલાવી
(પ્રતિનિધિ) ભરૂચ, સસ્તુ સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઈસમને પાંચ લાખ ગુમાવવાનો વાળો આવ્યો હતો. ભોગ બનનારે વાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા તાલુકાની મુલેર ચોકડી નજીક લૂંટની ઘટના બની હતી.
‘લાલચ ત્યાં મોત’ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો વાગરાના મુલેર ચોકડી નજીક બનવા પામ્યો હતો. જેમાં મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતા રવીન્દ્રકુમારનો સંપર્ક ઠગ ટોળકી સાથે થયો હતો. ઠગ ટોળકીએ સસ્તુ સોનુ આપવાની વાત કરી હતી.જેને લઈ ભોગ બનનાર લાલચમાં આવી સોનુ ખરીદવા તૈયાર થઈ ગયો હતો.ગતરોજ તેને ઠગ ટોળકીએ મોબાઈલ ઉપર લોકેશન મોકલી પાંચ લાખ રૂપિયા લઈ વાગરાની મુલેર ચોકડી પર બોલાવ્યો હતો.
જ્યાં બપોરના સમયે કાળા કાચની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર લઈને આવેલા આરોપીઓએ ફરિયાદીને ગાડીમાં બેસાડી આગળ જઈ ગાડી ઉભી રાખી હતી. અને ફરિયાદી રવિન્દ્રકુમારને લાત મારી કારમાંથી નીચે પાડી દઈ મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને રોકડ પાંચ લાખ રૂપિયા ભરેલ થેલી ફરિયાદીના હાથ માંથી લૂંટ કરી કાર લઈ નાશી છૂટ્યા હતા.
આ અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા વાગરા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી ગતરોજ સાંજના સમયે પોતાની બ્રેજા ગાડી નંબર જીજે સીએચ ૧૫૫૫ લઈ જતો હતો.એ સમયે વાગરાની ઓરા ચોકડી પર ફરજ પરના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈએ ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો.તેમ છતાં ગાડી ઉભી નહિ રાખી જાણી જોઈને ફરિયાદીને ટક્કર મારી હતી. કારની ટકકરથી પોલીસ કર્મચારીને કમરમાં તથા ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી.
જેથી બ્રેજા કારના ચાલક સામે હેડ કોન્સ્ટેબલે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપી અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.વિશ્વાસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ જવાન મહેશ જમાદારને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ભાગી ગયેલ આરોપી નાકાબંધી દરમ્યાન વડુ પોલીસે ઝડપી વાગરા પોલીસને હવાલે કર્યો હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે.