નર્મદામાં ન્હાવા ગયેલ ઝઘડિયાના ઈસમનું મગરના હુમલાથી મોત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લા માંથી વહેતી નર્મદા નદીમાં લાંબા સમયથી મગરોનો ઉપદ્રવ જાેવા મળે છે.જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદામાં ન્હાવા પડેલ કે માછીમારી કરવા ગયેલ ઘણા ઈસમો ભુતકાળમાં મગરના હુમલાનો ભોગ બન્યા છે.
ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતો દિપકભાઈ રામજીભાઈ વસાવા નામનો ૩૯ વર્ષીય ઈસમ બપોરના સમયે નજીકમાં નર્મદા કિનારે ઘાસચારો લેવા ગયો હતો.ત્યાર બાદ આ ઈસમ ગરમીને કારણે અવિધા થી જરસાડ વચ્ચેની નર્મદામાં ભળતી ખાડી પાસે નર્મદા નદીમાં ન્હાવા ગયો હતો.
તે સમયે એકાએક આવી ચઢેલ મગરે આ ઈસમને પગ માંથી પકડ્યો હતો.મગરની પકડ માંથી છુટવા દિપકે ભારે મથામણ કરી છતાં તે મગરના પંજા માંથી મુક્ત થઈ શક્યો નહિ.મગર આ ઈસમને નદીના ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.
તો ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ સ્ટેશનના જમાદાર વિનોદભાઈ રોહિત તેમજ રાજપારડી વન વિભાગના મહેશભાઈ વસાવા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મગર દ્વારા નદીમાં ખેંચી જવાયેલ ઈસમને શોધવા તાત્કાલિક ફાયર ફાયટરોની ટીમ બોલાવાઈ હતી.નદીમાં કલાકો સુધી શોધખોળ કરીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.ઘટનાને પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં ભયનો માહોલ છવાયો હતો.