ઈસનપુરમાં સરકારી જમીનમાં શાળા ઊભી કરી દેવામાં આવતા નોટિસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/Illegal-construction.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ શહેર ડીઈઓએ શક્તિ વિદ્યાવિહાર શાળાની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે નોટિસ આપી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં સરકારી જમીન પર શાળાનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઈસનપુરમાં આવેલી શક્તિ વિદ્યાવિહાર સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી બનાવવામાં આવી હોવાના પગલે મામલતદાર દ્વારા ૩૦ દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા તેમજ દબાણ દૂર કરવા માટે હુકમ કર્યાે છે.
બાંધકામ નુકસાન વળતર પેટે રૂપિયા ૫ લાખનો દંડ વસૂલવાનો આદેશ કર્યાે છે. જ્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયમ વિરુદ્ધ બાંધકામ કરી શાળાની મંજૂરી મેળવેલી હોવાનું જણાતા શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસા માટે શનિવારે હાજર રહેવા જણાવાયું છે. મણિનગરના સર્વે નંબર-૫૩ સરકારી પડતર હેડે ચાલતી જમીનમાં અનાધિકૃત બાંધકામ ચાલુ હોવા બાબતે તલાટી દ્વારા અહેવાલ મોકલાયો હતો.
આ સરકારી જમીનમાં પાકી દીવાલો, પિલર સાથે પાકા રૂમોનું બાંધકામ, છતનું બાંધકામ થયેલું હતું. જેથી તપાસ કરતા આ બાંધકામ શક્તિ વિદ્યાવિહાર સ્કૂલનું હોવાનું અને સંચાલક મનોજ તિવારીએ કરાવ્યું હોવાનું જણાયું હતું. જેથી આ અંગે મામલતદાર દ્વારા દબાણ કેસ કરાયો હતો અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યાે હતો.
ત્યારબાદ મણિનગર મામલતદાર દ્વારા નોટિસ આપી મુદ્દતો પર હિયરિંગ રખાયું હતું. જોકે, તેઓ હાજર રહ્યા ન હતા અને પુરાવા પણ રજૂ કર્યા ન હતા. જેથી મામલતદાર દ્વારા તાજેતરમાં સ્કૂલનું ગેરકાયદે બાંધકામ સ્વખર્ચે દૂર કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. ઉપરાંત જમીનમાં કરેલા અનાધિકૃત બાંધકામના નુકસાન વળતર પેટે રૂપિયા ૫ લાખનો દંડ વસૂલવા માટે હુકમ કર્યાે છે.
આમ, મામલતદાર દ્વારા સરકારી જમીનમાં થયેલા શાળાના બાંધકામને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પણ પત્ર લખીને જાણ કરી હતી. મામલતદારના પત્ર બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી છે. જેમાં જણાવાયું છે કે, શાળાની અનિયમિતતા સબબ શાળા સામે નિયમ વિરુદ્ધ બાંધકામ કરી શાળાની મંજૂરી મેળવેલી હોય તેમ જણાય છે.
જે અન્વયે શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શા માટે ન કરવી તે માટે ૧૫ ફેબ્રુઆરીએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ સુનાવણી રાખેલી હોય, જેમાં જરૂરી આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ સુનાવાણીમાં હાજર નહીં રહો તો આપ કઈ કહેવા માંગતા નથી તેમ માની શાળાની સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવાની ફરજ પડશે.