ઈસનપુર પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂના અડ્ડાની કોન્સ્ટેબલે પોલ ખોલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Daru-1024x576.webp)
કોન્સ્ટેબલે જ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, પોલીસે મોડા પહોચી નીલ રેડ બતાવી
(એજન્સી)અમદાવાદ, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ચેતન ચૌહાણ નામના કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે સાત વાગે ફોન કર્યો હતો. કે ઈસનપુર પોલીસ સ્ટેશનની પાછળ ચાલીમાં દેશી દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલે છે. બંધ કરવાનું કહયું તો મારી સાથે માથાકુટ કરવા લાગ્યા છે.
આ બનાવની જાણ ખુદ પોલીસકર્મીએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હોવા છતાં સ્થાનીક પોલીસ ઘણા કલાકો બાદ ઘટનાસ્થળે પહોચી હોવાનો દાવો કોન્સ્ટેબલે ચેતન ચૌહાણ કરી રહયો છે. ઈસનપુર પોલીસ ઘટનાસ્થળે પહોચી ત્યારે દેશી દારૂનું એકપણ ટીપું મળ્યું નહીં અને નીલ રેડ બતાવી હતી. સમગ્ર મામલે એસીપી પ્રદીપસિંહ જાડેજાને આ મામલે તપાસ સોપવામાં આવી છે. ત્યારે આક્ષેપ કરનાર પોલીસ કોન્સ્ટેબલને પોતાનું નિવેદન નોધાવતા માટે બોલાવ્યો છે.
ઈસનપુર પોલીસ સ્ટેશનની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ચેતનભાઈ રમેશભાઈ ચૌહાણે શહેર પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસ સ્ટેશનની પાછળ માધુરી નામની મહીલા બુટલેગર દારૂનું સ્ટેન્ડ ચલાવતી હોવાથી કેસ કરવા બાબતે જણાવ્યું હતું કે પરંતુ કલાકો સુધી કંટ્રોલ રૂમ તરફથી કોઈ પ્રતીસાદ ન મળતાં ચેતનભાઈએ ફરીથી ફોન કર્યો હતો.
જોકે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ કાર્યવાહી ના કરી હોવાનો આક્ષેપ કરીને ઓડીયો વાયરલ કર્યો હતો. આબરૂ બચાવવા માટે કલાકો બાદ ઈસનપુર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ ત્યાં કોઈ દારૂનું વેચાણ થઈ રહયું ન હોવાનું રટણ કરીને નીલ કેસ બતાવ્યો હતો.
આ વાયરલ ઓડીયો બાબતે જે ડીવીઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને તપાસ સોપાતા પોલીસ કોન્સ્ટેબલે નિવેદન નોધવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે પોતે ઢોર પાટીમાં ફરજ બજાવી રહયો છે અને નોકરી પુરી થશે ત્યારે બાદ આવીશ તેવો જવાબ સીનીયર અધિકારીને આપ્યો હોવાનું જાણવા મળી રહયું છે.