ઈઝરાયલની ગાઝાની હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ વર્ષા

ગાઝામાં ઈઝરાયલની ફરી એરસ્ટ્રાઈક, વધુ ૧૦૦ મોત -ઈઝરાયલ સતત પાંચ દિવસથી ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે, જેમાં કુલ ૩૨૦ લોકોના મોત થયા છે
ગાઝા, હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલે સતત ચોથા દિવસે ગાઝામાં હુમલો કરતા વધુ ૧૦૦ લોકોના મોત થયા છે. ગાઝા સ્થિત આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે, ઈઝરાયલી સેનાએ શનિવારની રાતથી રવિવાર સુધી એરસ્ટ્રાઈક કરતા ઓછમાં ઓછા ૧૦૩ લોકોના મોત થયા છે. ઈઝરાયલ સતત પાંચ દિવસથી ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે, જેમાં કુલ ૩૨૦ લોકોના મોત થયા છે.
અધિકારીઓએ કહ્યું કે, ‘ઈઝરાયલ તફથી સતત હુમલો થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોના મોત થયા છે. હુમલામાં હોસ્પિટલો અને અનેક બિલ્ડીંગોને પણ નુકસાન થયું છે. હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેઓ પહેલેથી જ હુમલાનો શિકાર બનેલા છે અને હવે તેઓ વધુ મુશ્કેલીમાં પડ્યા છે.’
સેનાએ ગાઝાના દક્ષિણ શહેર ખાન યુનિસમાં મિસાઈલ એટેક કરતા ૧૮ બાળકો અને ૧૪ મહિલા સહિત ૪૮થી વધુ લોકોના મોત થયા છે. નાસિર હોસ્પિટલે કહ્યું કે, સેનાના અનેક હુમલામાં વિસ્થિપત લોકોના શરણાર્થી શિબિરને પણ ઘણુ નુકસાન થયું છે.
એસોસિએટેડ પ્રેસે ગાઝા આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક સિવિલ ડિફેન્સ તરફથી મળેલી માહિતી મુજબ કહ્યું કે, નોર્થ ગાઝાના જબાલિયામાં શરણાર્થી શિબિર પર પણ મિસાઈલ ત્રાટકી છે, જેમાં એક જ પરિવારના ૯ સભ્યોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય એક હુમલામાં સાત બાળકો અને એક મહિલા સહિત ૧૦ લોકોના મોત થયા છે.
ઈઝરાયલ સતત ચાર દિવસથી ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે.
ઇઝરાયલી સેનાએ ૧૪ મેએ ઉત્તર અને દક્ષિમ ગાઝામાં હુમલા કર્યા હતા, જેમાં બે ડઝન બાળકો સહિત ૭૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ મેએ ખાન યુનિસ શહેરમાં થયેલા હુમલામાં ૫૪ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઈઝરાયલી સેનાએ ૧૬મેએ પણ ગાઝામાં અનેક હુમલા કરતા ૯૩ લોકોના મોત થયા છે. એક પત્રકારે ઈન્ડોનેશિયન હાસ્પિટલમાં ૯૩ મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. સેનાએ ૧૭-૧૮ મેએ કરેલા હુમલામાં ૧૦૩ લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, સાત આૅક્ટોબર-૨૦૨૩ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી ૧૨૦૦ લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ ૫૩,૦૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.