Western Times News

Gujarati News

યમન પર ઇઝરાયેલની એર સ્ટ્રાઈક, પાવર સ્ટેશન-ઓઇલ ડેપો ભડકે બળ્યું

૩ના મોત થયા અને ૮૦થી વધુ ઘાયલ

(એજન્સી)યમન, તેલ અવીવ પર હુતી દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના જવાબમાં ઇઝરાયેલે યમન પર હુમલો કર્યો છે. હુતી સંલગ્ન અલ-મસિરાહ ટીવીએ જણાવ્યું હતું કે, શનિવારના હુમલામાં હોડેદામાં ઓઈલ ડેપો અને પાવર સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈઝરાયેલના આ ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૮૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોડેદા પોર્ટમાં ઓઇલ ડિપોની સુવિધાઓ પર ઇઝરાયેલના હુમલામાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલે હજુ સુધી આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઈઝરાયેલે ૫ એફ-૧૬ ફાઈટર એરક્રાફ્ટ અને ૮ એફ-૩૫ એરક્રાફ્ટની મદદથી આ હવાઈ હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલની વાયુસેનાના ફાઇટર પ્લેન હજુ પણ યમનમાં લક્ષ્યો સામે લડાયક ક્ષેત્રમાં છે. આ હુમલામાં હોડેદા પોર્ટ, રાસ અલ-કાતિબ સ્ટેશન અને ઓઈલ ડેરિવેટિવ્ઝ સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલા બાદ યમનનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલાનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે.

આ હુમલા પછી, યમનમાં ઘણા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. અલ અરેબિયાએ દાવો કર્યો છે કે આ હુમલો ઈઝરાયેલ, અમેરિકા અને બ્રિટન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. હુતીના પ્રવક્તા મોહમ્મદ અબ્દેલ સલામે કહ્યું કે, યમન વિરુદ્ધ ઈઝરાયેલની ક્રૂર કાર્યવાહી અત્યંત નિરાશાજનક છે. આ હુમલાનો ઉદ્દેશ્ય યમન પર ગાઝાને સમર્થન આપવાનું બંધ કરવા દબાણ કરવાનો છે, જે ઈઝરાયેલનું એક સ્વપ્ન છે જે ક્યારેય સાકાર નહીં થાય.

ઈરાનના સાથી ગણાતા હુતી, જેઓ પોતાને યમનની સત્તાવાર સશસ્ત્ર દળો કહે છે, તેઓ લાલ સમુદ્રમાં શિપિંગ લેનને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનો હેતુ ગાઝા પરના યુદ્ધને સમાપ્ત કરવા માટે ઇઝરાયેલ પર દબાણ લાવવાનો છે.

હુતીઓ દ્વારા તેલ અવીવ પર ડ્રોન હુમલાના એક દિવસ બાદ ઈઝરાયેલે આ હવાઈ હુમલો કર્યો હતો. હુતીઓના આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૦ અન્ય ઘાયલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.