લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
નવી દિલ્હી, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે થોડા કલાકો પહેલા આઈડીએફએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહ આતંકવાદી લક્ષ્યો સામે સચોટ ગુપ્ત માહિતીના આધારે મર્યાદિત અને લક્ષિત ગ્રાઉન્ડ ઓપરેશન્સ શરૂ કર્યા હતા.
આ લક્ષ્યો સરહદની નજીકના ગામોમાં સ્થિત છે અને ઉત્તર ઇઝરાયલમાં ઇઝરાયલી સમુદાયો માટે ખતરો પેદા કરી રહ્યા છે. આઈડીએફએ જણાવ્યું હતું કે ઇઝરાયલની એરફોર્સ અને આઈડીએફ આર્ટિલરી આ વિસ્તારમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ સાથે ગ્રાઉન્ડ ફોર્સને સપોર્ટ કરી રહી છે.
આ ઓપરેશનને પોલિટિકલ ફીલ્ડના નિર્ણય અનુસાર મંજૂરી આપવામાં આવી છે અને તેને અંજામ આપવામાં આવ્યો છે. આઈડીએફએ કહ્યું કે અમે યુદ્ધના લક્ષ્યોને હાંસલ કરવા માટે અમારું કામ ચાલુ રાખીશું. ઇઝરાયલ તેના નાગરિકોની સુરક્ષા અને ઉત્તર ઇઝરાયલના નાગરિકોને તેમના ઘરે પરત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
આ ઓપરેશન પહેલા ઈઝરાયલે અમેરિકાને કહ્યું હતું કે તે ઈઝરાયલની સરહદની નજીક લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને મર્યાદિત વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન કરશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ (ઇઝરાયલ) અમને કહ્યું છે કે તેઓ હાલમાં સરહદ નજીક હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને મર્યાદિત વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યા છે.
મિલરે કહ્યું કે અમેરિકા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં સતત બગડતી પરિસ્થિતિને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં સંપૂર્ણ યુદ્ધથી બચવું જોઈએ. તે આ અંગે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે પણ વાત કરશે.SS1MS