ગાઝા યુદ્ધવિરામની સમજૂતીને ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટની મંજૂરી
જેરુસલેમ, ગાઝામાં આશરે ૧૫ મહિના પછી યુદ્ધવિરામની આશા જાગી છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે શુક્રવારે યુદ્ધવિરામની સમજૂતીને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. હવે અંગે સંપૂર્ણ કેબિનેટની મંજૂરી લેવામાં આવશે. કેબિનેટ પણ તેના પર મહોર મારે તેવી પૂરી શક્યતા છે.
તેનાથી રવિવારથી યુદ્ધવિરામની શરૂઆત થઈ શકે છે. નેતન્યાહુએ ગાઝાથી પરત ફરી રહેલા બંધકોને આવકારવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને તૈયાર રહેવાની સૂચના આપી છે.
બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરનારા કતાર અને અમેરિકાએ બુધવારે જ યુદ્ધવિરામ સમજૂતીની જાહેરાત કરી હતી, પરંતુ નેતન્યાહુની એક ટકપ્પણીને કારણે તેનું ભાવિ અનિશ્ચિત બન્યું હતું. નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસને કારણે છેલ્લી ઘડીની અડચણો આવી છે.
બે દિવસમાં ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા ૮૪ લોકોના મોત થયાં હતાં. જોકે ઇઝરાયેલમાં નેતન્યાહુના ગઠબંધનના કટ્ટર જમણેરી પક્ષોએ આ યુદ્ધવિરામનો ઉગ્ર વિરોધ કર્યાે છે. તેમના વાંધાથી નેતાન્યાહુની સરકાર પણ અસ્થિર બની શકે છે.
ગુરુવારે ઇઝરાયેલના કટ્ટરપંથી રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગવિરે જો ઇઝરાયેલ યુદ્ધવિરામને મંજૂરી આપે તો સરકાર છોડવાની ધમકી આપી હતી.ગાઝામાં ૭ ઓક્ટોબર ૨૦૨૩એ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ થયું હતું. તે સમયે હમાસે કરેલા હુમલામાં ઇઝરાયેલના આશરે ૧,૨૦૦ નાગરિકોના મોત થયાં હતાં. ઇઝરાયેલના આશરે ૨૫૦ લોકોને બંધક પણ બનાવાયા હતાં.
ઇઝરાયેલા કરેલા વળતા હુમલામાં ૪૬,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ગાઝામાં વિનાશ ઉપરાંત આ યુદ્ધથી સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ઊભી થઈ હતી. યુદ્ધવિરામના સોદા હેઠળ પ્રથમ તબક્કામાં ગાઝામાં રહેલા લગભગ ૧૦૦ બંધકોમાંથી ૩૩ને છ સપ્તાહમાં મુક્ત કરાશે. આના બદલામાં ઈઝરાયેલ તેની જેલમાં રહેલા પેલેસ્ટિન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયલી દળો ગાઝાના ઘણા વિસ્તારોમાંથી પાછા હટી જશે.
બીજા તબક્કામાં ઇઝરાયેલના પુરુષ સૈનિકો સહિતના બાકીના બંધકોને મુક્ત કરાશે. આ તબક્કાની મંત્રણાઓ પ્રથમ તબક્કા દરમિયાન થશે. હમાસે કહ્યું છે કે તે સ્થાયી યુદ્ધવિરામ અને ઇઝરાયેલની આર્મી સંપૂર્ણ વાપસી વગર બાકીના બંધકોને મુક્ત કરશે નહીં.SS1MS