ISRO ના પ્રક્ષેપણ NVS-૦૨ના વાલ્વમાં ખામી સર્જાઈ
ભ્રમણકક્ષા વધારવાની કામગીરી અટકી
ISRO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપગ્રહ પ્રણાલીઓમાં કોઇ સમસ્યા નથી અને ઉપગ્રહ હાલ તે લંબગોળ ભ્રમણકક્ષામાં છેં
નવી દિલ્હી,
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વાલ્વમાં ખામીને કારણે NVS-૦૨ ઉપગ્રહ માટે ઇચ્છિત ભ્રમણકક્ષા વધારવાની કામગીરી કરવામાં અસમર્થ રહ્યું છે. NVS શ્રેણીનો બીજો ઉપગ્રહ, NVS-૦૨, ઇસરો દ્વારા ૨૯ જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી તેના સીમાચિહ્નરૂપ ૧૦૦મા પ્રક્ષેપણના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો હતો.સ્પેસ એજન્સીએ વિગતો આપતા જણાવ્યું હતું કે “થ્રસ્ટર્સને ફાયર કરવા માટે ઓક્સિડાઇઝરને પ્રવેશ આપવા માટેના વાલ્વ ખુલ્યા નથી, આથી ઉપગ્રહને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટેની ભ્રમણકક્ષા વધારવાની કામગીરી હાથ ધરી શકાઈ નથી.”
ઉપગ્રહના લોન્ચિંગ બાદ ઇસરો તેની ભ્રમણકક્ષા વધારવાની કામગીરી હાથ ધરવાનું હતું, પરંતુ ખામીને કારણે તે સફળ થઈ શક્યું નથી. આ કામગીરી કર્ણાટકના હસન ખાતે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી દ્વારા હાથ ધરવામાં આવનાર હતી.ISRO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઉપગ્રહ પ્રણાલીઓમાં કોઇ સમસ્યા નથી અને ઉપગ્રહ હાલ તે લંબગોળ ભ્રમણકક્ષામાં છે. લંબગોળ ભ્રમણકક્ષામાં સંચાલન માટે ઉપગ્રહનો ઉપયોગ કરવા માટેની વૈકલ્પિક મિશન વ્યૂહરચનાઓ પર કામ ચાલી રહ્યું છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે NVS-૦૨ નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક ઇચ્છિત જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં દાખલ કરવામાં આવ્યો હતો.SS1