ઈસરોની નજર સૌરમંડળની બહારના તારા-ગ્રહોના રહસ્યને શોધવા ઉપર
(એજન્સી)નવી દિલ્હી, ચંદ્રયાન-૩ મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે.
ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ઇસરોએ બાહ્ય ગ્રહોના રહસ્યોને જાણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાંથી કેટલાક ગ્રહો પર વાતાવરણ હોવાની માહિતી છે અને આ ગ્રહો માનવીના વસવાટને અનુકૂળ હશે તેવું મનાઈ રહ્યું છે.
ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના એક કાર્યક્રમને સંબોધતાં સોમનાથે જણાવ્યું હતું
કે સ્પેસ એજન્સી શુક્રના અભ્યાસ માટે એક મિશન મોકલવાની અને અંતરિક્ષના ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, એક્સપોસેટ અથવા એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનો છે.
આ ઉપગ્રહ એવા તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે લુપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. અમે એક્ઝોવર્લ્ડ નામના ઉપગ્રહ પર પણ વિચારણા કરી રહ્યા છીએ જે સૌરમંડળની બહારના ગ્રહો અને અન્ય તારાઓની પરિક્રમા કરતા ગ્રહોનો અભ્યાસ કરશે.તેમણે કહ્યું કે સૌરમંડળની બહાર ૫,૦૦૦ થી વધુ ગ્રહો છે, જેમાંથી ઓછામાં ઓછા ૧૦૦ પર વાતાવરણ હાજરી હોવાનું મનાય છે.