ITના દરોડામાં પકડાતી મત્તામાં પણ 2000ની નોટો ગાયબ થઈ રહી છે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે જાહેર કરેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઈનકમટેક્સના દરોડામાં પણ મળતી રોકડ રકમમાં 2000ની નોટોનુ પ્રમાણ સાવ ઓછુ થઈ ગયુ છે.નોટબંધી બાદ સરકારે 2000ની નોટ લાગુ કરી હતી.જોકે તેનો ઉપયોગ લોકોએ કાળુ નાણુ ભેગુ કરવા માટે શરૂ કરી દેતા સરકાર અચાનક જાગી છે. હવે તો 2000ની નોટોનુ પ્રિન્ટિંગ પણ બંધ કરી દેવાયુ છે. સરકારે કહ્યુ છે કે, 2017-18માં આવકવેરા વિભાગે પાડેલા દરોડોમાં જે રોકડ મળી હતી તેમાં 2000ની નોટોનુ પ્રમાણ 68 ટકા હતા. જોકે વર્તમાન નાણાકીય વર્ષમાં આ સંખ્યા ઘટીને 43 ટકા જ રહી ગઈ છે.
નાણા મંત્રીનુ પોતાનુ જ કહેવુ છે કે, લોકોના લાગે છે કે, સરકાર ગમે ત્યારે 2000ની નોટો બંધ કરી દેશે. જેના કારણે લોકો પણ હવે આ નોટો જમા કરવાનુ ટાળી રહ્યા છે. મોટાભાગના એટીએમમાં પણ હવે 2000ની નોટો મળી રહી નથી. માર્ચ 2017માં 2000ની નોટોનુ સૌથી વધારે ચલણ હતુ. એ પછી હવે તેનુ ચલણ ઘટીને 31 ટકા રહી ગયુ છે. માર્ચ 2018માં 6.7 લાખ કરોડની કિંમતની કરન્સી નોટો ચલણમાં હતી. જે હવે 6.6 લાખ કરોડ છે.
આરબીઆઈની સૂચના પ્રમાણે નાના શહેરો અને કસ્બાઓમાં હવે બેન્કો એટીએમમાં 2000ની નોટો મુકી રહી નથી. જોકે બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક વર્ગનુ કહેવુ છે કે, 2000ની નોટો બંધ થઈ જશે એ વાત અફવા છે. હા એ સાચુ છે કે, સરકાર એટીએમમાંથી 2000ની નોટો હટાવવા માટે તબક્કાવાર કામ કરી રહી છે.