IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડ કાસ્ટર્સની વિરુદ્ધ કઠોર કાર્યવાહી નહીં થાય : હાઈકોર્ટ
તિરુવનંતપુરમ: કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે નવા આઇટી નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનની વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી નહીં થાય. જસ્ટિસ પી.બી. સુરેશ કુમારે આઇટી નિયમો હેઠળ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો. એનબીએએ જણાવ્યું હતું કે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નવા આઇટી નિયમોને એ આધાર પર પડકાર આપ્યો છે કે તે સરકારી અધિકારીઓને મીડિયાની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ‘અયોગ્ય રીતે પ્રતિબંધિત’ કરવા માટે ‘અતિશય વધારે અધિકાર’ પ્રદાન કરે છે.
એનબીએએ એક નિવેદન બહાર પાડી આ જાણકારી આપી હતી. તેમનું કહેવું છે કે આઇટી નિયમોના ભાગ – (ડિજિટલ મીડિયાના સંબંધમાં આચારસંહિતા, પ્રક્રિયા અને સુરક્ષા ઉપાય)ને પડકારવામાં આવી છે, કારણ કે તે ડિજિટલ સમાચાર મીડિયાની સામગ્રીને વિનિયમિત કરવા માટે કાર્યપાલિકાને નિરંકુશ અને અતિશય વધારે અધિકાર આપનારું નિયંત્રણ તંત્ર તૈયાર કરવાની શક્તિ પ્રદાન કરે છે. અનેક ડિજિટલ સમાચાર મીડિયા પ્લેટફોર્મ પહેલા જ દેશની વિવિધ હાઈકોર્ટોમાં ૨૦૨૧ના આઇટી નિયોમોને પડકારી ચૂક્યા છે અને કેન્દ્રએ પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીને તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો અનુરોધ કર્યો છે.