૩૦ જૂન સુધી આધાર-પાન કાર્ડ લિન્ક કરવા ITનું એલર્ટ
જેને ૧ જુલાઈ ૨૦૧૭એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી
(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય છે. પાન કાર્ડનો ઉપયોગ દરેક નાણાકીય વ્યવહારને પૂરા કરવા માટે કરવામાં આવે છે.
ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા અને પ્રોપર્ટી ખરીદવામાં તમામ કાર્યો માટે પાન કાર્ડની જરૂર પડે છે.
જાે તમે પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તેને ૩૦ જૂન સુધી કરી લો નહીંતર તે બાદ તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સંબંધમાં ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. પાન કાર્ડ ધારક ૩૦ જૂન ૨૦૨૩ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે.
ઈનકમ ટેક્સ એક્ટ ૧૯૬૧ હેઠળ દેશના દરેક નાગરિક જેણે ૧ જુલાઈ ૨૦૧૭એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યુ છે અને તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી છે. પાન અને આધાર લિંકિંગની ડેડલાઈન ૩૦ જૂન ૨૦૨૩એ પૂર્ણ થવાની છે. અગાઉ આ ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી.
જાેકે બાદમાં નાણા મંત્રાલયે ૨૮ માર્ચે એક પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપી હતી કે ટેક્સપેયર્સની સુવિધાને જાેતા પાન આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારીને ૩૦ જૂન કરી દેવાઈ છે. જાે તમે આ તારીખ ચૂકી જાવ તો પછી આ કામ માટે તમારે ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી આપવી પડશે. જાે ૩૦ જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવાયુ નહીં તો તમારુ પાન ઈનવેલિડ પણ થઈ જશે.
જાે ૩૦ જૂન સુધી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારુ પાન કાર્ડ ઈનવેલિડ થઈ જશે અને તમારે ભારે આર્થિક નુકસાન વેઠવુ પડશે. પાન કાર્ડ વિના તમે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકશો નહીં. જાે તમે શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો ત્યાં પણ મુશ્કેલી વેઠવી પડશે.
આ સિવાય પાન કાર્ડ ઈનવેલિડ થવાની સ્થિતિમાં વ્યક્તિને ટેક્સ બેનિફિટ અને ક્રેડિટ જેવા લાભ પણ નહીં મળે અને બેન્ક લોન પણ લઈ શકશો નહીં. અગાઉ પણ સરકારે આ અંગે કાર્યવાહી કરી હતી. પરંતુ મુદ્દત લંબાવવાની વ્યાપક રજૂઆતનાં પગલે મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો.