મણિપુરની ઘટના પર રાજનીતિ કરવી શરમજનક બાબતઃ અમિત શાહ
મણિપૂરમાં સ્થિતિ કાબુમાં છે. મે મહિનામાં ૧૦૭નાં મોત થયાં. જૂનમાં ૩૦ અને જુલાઈમાં ૧૫નાં મોત થયાં હતાં. હિંસા ધીમે-ધીમે ઓછી થઈ છે.
નવી દિલ્હી, લોકસભામાં સાંજે ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી સહિત વિપક્ષનાં નેતાઓ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સવારે ભાષણ સાંભળ્યા પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે માત્ર ભ્રાંતિ માટે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
જનતામાં પણ વિશ્વાસ છે, કારણ કે દેશની ૭ કરોડ ગરીબ જનતામાં આશાનો સંચાર કર્યો છે, નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે. વિપક્ષની વાતથી સહમત છું કે મણિપુરમાં મોતનું તાંડવ થયું છે. આપણને શરમ આવે એવી ઘટના મણિપુરમાં થઈ છે. આવી ઘટના પર રાજનીતિ કરવી એ એના કરતાં પણ વધુ શરમજનક છે.
હું પહેલા દિવસથી જ ચર્ચા માટે તૈયાર છું, પણ વિપક્ષ તૈયાર નહોતો. મણિપુરની જાતિય હિંસાઓને સમજવું પડશે. લગભગ ૬ વર્ષ મણિપુરમાં ભાજપની સરકાર છે. એક દિવસ પણ અહીં કર્ફ્યૂ નથી લગાવવો પડ્યો. ઉગ્રવાદી હિંસા લગભગ સમાપ્ત થઈ ગઈ. ૨૦૨૧માં પાડોશી દેશ મ્યાનમારમાં સત્તા પરિવર્તન થયું.
ત્યાં લોકતાંત્રિક સરકાર સમાપ્ત થઈ ગઈ અને મિલિટરીનું શાસન આવ્યું. આ વચ્ચે ત્યાં કુકી ડેમોક્રેટિક ફ્રન્ટે લોકતંત્ર માટે આંદોલન શરૂ કર્યું. પછી ત્યાંની સેનાએ આના પર દબાણ કરવાનું શરૂ કર્યું. આવામાં કુકી લોકો ત્યાંથી શરણાર્થી બનીને મિઝોરમ અને મણિપુરમાં આવવા લાગ્યા.
૨૯ એપ્રિલે એક અફવા ફેલાઈ કે ૫૮ શરણાર્થીની વસાહત છે. તેમને ગામમાં જાહેર કરવામાં આવ્યા છે. એનાથી મૈતેઈ નારાજ થઈ ગયા. લોકોને લાગ્યું કે સ્થાયી થઈ જશે. પછી મણિપુર હાઇકોર્ટનો ચુકાદો આવ્યો, જેણે આગમાં તેલ નાખવાનું કામ કર્યું.
૧૫૨ લોકોનાં મોત થયાં છે. આમાં કઈ છુપાવવાની જરૂર નથી. મેમાં ૧૦૭નાં મોત થયાં. જૂનમાં ૩૦ અને જુલાઈમાં ૧૫નાં મોત થયાં હતાં. હિંસા ધીમે-ધીમે ઓછી થઈ છે.