Western Times News

Gujarati News

નગરપાલિકાના વોટર વર્ક્‌સ પરથી કોન્ટ્રાક્ટરો જ પાણીની ચોરી કરાતા હોવાનો આક્ષેપ

પ્રતિકાત્મક

(પ્રતિનિધી) ભરૂચ, આમોદ ભાજપ શાસિત નગરપાલિકામાં કોન્ટ્રકટરોને લીલાલેર હોય તેમ લાગી રહ્યું છે.સિવિલના કામો રાખીને બેફામ ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રકટરો દ્વારા તેમના કામમાં પાણી પણ ચોરી કરીને ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે સમગ્ર ઘટના બાબતે પાલિકા પ્રમુખે પાણીની ચોરી કરી પાલિકાને આર્થિક નુકશાનીમાં મુકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

આમોદ નગરપાલિકા સંચાલિત વોટર વર્ક્‌સની ટાંકીમાંથી કોન્ટ્રાક્ટરો,પંપ ઓપરેટર અને પાલિકા કર્મચારીઓની મિલીભગતથી બારોબાર પાણી આપી દેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના સિવિલના કામ કરતા કોન્ટ્રાક્ટરો પાલિકાનું પાણી પણ રૂપિયા આપ્યા વગર બારોબાર ચોરી કરીને સિવિલના કામમાં વાપરે છે.આમોદ પાલિકા દ્વારા ધાર્મિક બાબતો સિવાય પાણીના ટેન્કરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

જેમાં પાલિકાનું પોતાનું ટેન્કર હોય તો નગરજનો પાસેથી ૭૦૦ રૂપિયા પાણીનો ભાવ વસુલે છે.જ્યારે ખાનગી માલિકનું ટેન્કર હોય તો ટેન્કર દીઠ ૩૦૦ રૂપિયા વસુલ કરવામાં આવે છે.જેમાં પાલિકા સત્તાધીશોએ જ નિયમ બનાવ્યો હતો કે પાલિકામાંથી પાણીના રૂપિયા ભર્યાની રસીદ બતાવ્યા બાદ જ વોટર વર્ક્‌સ ઉપર કામ કરતા કર્મચારીએ પાણીનું ટેન્કર ભરી આપવાનું હોય છે.

પરંતુ પંપ ઓપરેટર તેમજ પાલિકા કર્મચારીની મિલી ભગતથી પાણીના ટેન્કર બારોબાર ભરી આપવામાં આવે છે.જેથી નગરપાલિકાને પાણીની આવક ના મળતા આર્થિક નુકશાની વેઠવી પડે છે.

એક તરફ આમોદ નગરપાલિકાના શાસકો નગરજનો પાસેથી ખાસ પાણી વેરો અને સામાન્ય પાણી વેરો લઈને નગરજનો પાસેથી લાખો રૂપિયાની કડક ઉઘરાણી કરે છે અને વેરા વસુલાત કરે છે. ત્યારે બીજી બાજુ પાણીના ટેન્કરો વડે કોન્ટ્રાક્ટરો અને કર્મચારીની મિલભગતથી બારોબાર પાણીની ચોરી કરવામાં આવે છે.

જેનાથી પાલિકાની પાણીની આવકને ફટકો પડે છે.આ ઉપરાંત વોટર વર્ક્‌સ ઉપર સીસીટીવી કેમેરા પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે.જેથી કોન્ટ્રકટરોને પાણી ચોરીને લઈ જવા માટે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.