પાટીદાર સમાજના સભ્ય હોવુ એ ગૌરવ છે – સ્વામી સચ્ચિદાનંદ
વેસ્ટર્ન સ્કુલનો વાર્ષિકોત્સવ સંપન્ન
(પ્રતિનિધિ) પેટલાદ, ચૌદગામ પાટીદાર સમાજ દ્વારા સંચાલીત વેસ્ટર્ન ઈંગ્લિશ મિડીયમ સ્કુલનો વાર્ષિકોત્સવ સંપન્ન થયો છે. આ પ્રસંગે શાળાના પ૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં આર્શિવચન આપતા સ્વામિ સચ્ચિદાનંદ મહારાજે જણાવ્યું હતુ કે ચૌદગામ પાટીદાર સમાજના સભ્ય હોવુ એ ગૌરવની વાત છે. આ સમાજ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ વેસ્ટર્ન સ્કુલ પ્રતિવર્ષ પ્રગતિની દિશામાં હરણફાળ ભરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ વેસ્ટર્ન ઈંગ્લીશ મિડીયમ સ્કુલના પટાંગણમાં ૧૬મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલે સંસ્થાની રૂપરેખા રજૂ કરી હતી. ઉપરાંત સંસ્થાને ઉદારભાવે દાન આપનાર દાતાઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓને આર્શિવચન આપતા સ્વામિ સચ્ચિદાનંદ મહારાજે જણાવ્યું હતુ કે બાળકો કારકિર્દીના ઉચ્ચતમ શિખરો સર કરી માતા – પિતા, સમાજ અને શાળાનું નામ રોશન કરે.
તેઓએ આ પ્રસંગે વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત તેઓએ સંસ્થાના વિકાસ માટે રૂપિયા અગિયાર લાખનું દાન આપવા જણાવ્યું હતુ. સમારોહના અધ્યક્ષ ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ બી પટેલે સમાજ અને સંસ્થાના વિકાસલક્ષી કાર્યને બિરદાવ્યું હતુ. આ પ્રસંગે વર્ષ ર૦ર૧ની વાર્ષિક પરિક્ષામાં નર્સરીથી ધોરણ – ૧ર સુધીના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ, શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી જય એસ પટેલ, શ્રેષ્ઠ વિદ્યાર્થીની કનિશા સી પટેલને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે શિલ્ડ અને રોકડ પુરસ્કારથી સનમાનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના નવનિર્વાચિત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલનું વિશેષ સન્માન સમાજ, ટ્રસ્ટ, સ્વામીજી તથા કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા કરવામાં આવ્યું હતુ. વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૩ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો પ૧૮ બાળ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલ, ઉપપ્રમુખ ગીરીશભાઈ પટેલ, મંત્રી નગીનભાઈ પટેલ, કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્ટી મંડળ, આચાર્યા મેઘના પટેલ, આચાર્ય મિહિર પટેલ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.