ગુજરાતમાં દર વર્ષે ૩૦૦૦ બાળકો કેન્સરનો ભોગ બનતા હોવાનો અંદાજ

અમદાવાદ, કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ બનનારા બાળકોનું પ્રમાણ સમયાંતરે વધી રહ્યું છે અને રાજ્યમાં વર્ષે ૩૦૦૦ જેટલા બાળકો વિવિધ પ્રકારના કેન્સરના દર્દી બનતાં હોવાનો ચોંકાવનારો અને ચિંતાજનક અંદાજિત તારણ નિષ્ણાત તબીબોએ આપ્યું છે.
અલબત્ત, આ મામલે સ્પષ્ટ અને વિગતવાર ડેટા અને સરવેનો અભાવ હોવાથી ચોક્કસ આંકડો આપવામાં તબીબો પણ અસમર્થ છે. પરંતુ બાળકોમાં વધતો જંક ફુડનો ક્રેઝ, ઘરની બહાર નીકળીને શારીરિક રમતો અને કસરત વગેરેનો અભાવ હોવાથી તેઓ પણ ઝડપથી કેન્સરની નાગચુડમાં ફસાઇ જતાં હોવાની ચિંતા ડોક્ટરોએ દર્શાવી છે.
બાળકોને કેન્સરથી દૂર રાખવા જંક ફુડ સંપૂર્ણપણે બંધ કરવા અને શક્ત એટલી શારીરિક કસરત અને રમત-ગમત તરફ તેમને વાળવાનું સૂચન તબીબોએ કર્યું છે. સ્ટ‹લગ હોસ્પિટલ્સ સિંધુ ભવનના ઓન્કોલોજી વિભાગના સીનિયર ડૉક્ટર્સે નાની વયથી બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવાનાં મહત્વ પર ભાર મૂક્યો છે.
બાળકોમાં બ્લડ કેન્સર, લિમ્ફોમા, હાડકાં અને બ્રેઇન ટ્યુમર જેવા કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉપલબ્ધ આંકડાને આધારે ભારતમાં આશરે ૭૫૦૦૦ બાળકોમાં કેન્સરનાં કિસ્સા નોંધાયા છે. એક ધારણા મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૧ મિલિયન બાળકોમાં કેન્સરનું નિદાન થવાની અપેક્ષા છે.
નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ પાસેથી પ્રાપ્ત આંકડાઓ મુજબ, ભારતમાં કેન્સરનાં તમામ કિસ્સાઓમાં અંદાજે ૪ ટકા કિસ્સા બાળકોમાં વિવિધ પ્રકારનાં કેન્સર (૦થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકો)નાં છે.
તાજેતરમાં “બાળકોમાં સામાન્યપણે જોવા મળતાં વિવિધ કેન્સરઃ વાસ્તવિક્તા અને ભ્રમ” શીર્ષક સાથે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોસ્પિટલ્સના ઓન્કોલોજી રેડિયેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. પૂજા નંદવાની પટેલે ભલામણ કરી છે કે, “માતા-પિતાઓએ બાળકોમાં નાની વયથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ રોગ સામે મુખ્ય પ્રાથમિક સુરક્ષાકવચ તરીકે કામ કરે છે. ’’
હિમેટો-ઓન્કોલોજી અને બોન મેરા ટ્રાન્સપ્લાન્ટમાં સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. દીપા ત્રિવેદીએ કહ્યું હતું કે,‘આપણે બાળકોને વાર્તાઓ અને ફિલ્મો દ્વારા સારાં અને નરસાં ગુણો વચ્ચેનો ફરક સમજાવીએ છીએ. એ જ રીતે આપણે તેમની અંદર સ્વસ્થ રીતો અને શિસ્તને કેળવવી જોઈએ, જેમ કે સંતુલિત આહારનું સેવન કરવું.
બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવવો અતિ આવશ્યક છે, કારણ કે જ્યારે તેઓ બીમારીનો સામનો કરે, ત્યારે તેઓ તેમાંથી બહાર આવી શકે.’ હોસ્પિટલ્સના સર્જિકલ ઓન્કોલોજીના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. મંથમ મેરજાએ હેલ્થકેર વ્યવસાયિકો, નીતિનિર્માતાઓ, સંશોધકો અને જનતા વચ્ચે જોડાણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.SS1MS