રિવર ક્રુઝ માટે સાબરમતીની સપાટી ૧૩૩ ફૂટ જાળવવી ફરજીયાત – ભારે વરસાદના સમયે ધોળકાના ગામોમાં તબાહીની દહેશત
રિવર ક્રુઝનું લોકાર્પણ કરવા સાબરમતી નદીને ૬૦ હજાર મિલીયન લીટર શુદ્ધ પાણીથી ભરવામાં આવી
ભારે વરસાદ કે ઉપરવાસના પાણીના આવક સમયે ફ્રંટ ને નુકશાન ન થાય તે માટે નહેરના દરવાજા ખોલી નાંખવામાં આવે છે જેના કારણે અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામોમાં ભારે તબાહી થાય છે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સહેલાણીઓ માટે સાબરમતીમાં ‘રિવર ક્રુઝ’ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. શાસકોએ કથિત વિકાસને બતાવવામાં શરૂ કરેલી રિવર ક્રુઝ અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામડાઓ માટે શ્રાપ રૂપ પણ બની શકે છે.
રિવર ક્રુઝના ઉદ્ઘાટન માટે નદીમાં પાણીની સપાટી જાળવવા ૬૦ મિલીયન લીટર પાણી ભરવામાં આવ્યું હતું જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે જાે ભારે વરસાદ આવે કે ઉપરવાસથી પાણી આવે તેવા સમયે રિવર ક્રુઝ બચાવવી કે અમદાવાદ-ધોળકાના ગામો બચાવવા તે યક્ષ પ્રશ્ન સત્તાધારી પાર્ટી માટે શીરદર્દ સમાન બની ગયો છે.
અમદાવાદની ધરોહર સમાન સાબરમતી નદીમાં સામાન્ય રીતે ૧૩૪ થી ૧૩પ ફુટ પાણીની સપાટી જાળવવામાં આવે છે પરંતુ વરસાદ થાય કે ઉપરવાસથી પાણી આવે તો નદીની સપાટી ૧ર૬ કે ૧ર૭ સુધી પણ કરવામાં આવે છે. જુનમાસના અંતિમ દિવસમાં ભારે વરસાદ થયો હોવાના કારણે તંત્રને એક સાથે સાત દરવાજા ખોલવાની ફરજ પડી હતી તથા સપાટી ૧ર૭ કરવામાં આવી હતી.
નદીનું લેવલ ૩૦મી જુને ઘટાડવામાં આવ્યું હતું જયારે રજી જુલાઈએ રિવર ક્રુઝનું વચ્ર્યુઅલ લોકાર્પણ જાહેર કરવામાં આવ્યું હતું સાબરમતીમાં ‘રિવર ક્રુઝ’ ચલાવવા માટે પાણીની સપાટી ઓછામાં ઓછી ૧૩૩ ફુટ રાખવી જરૂરી છે પરંતુ ૩૦મી જુને થયેલ વરસાદના કારણે સપાટી ઘટાડી ૧ર૭ સુધી કરવામાં આવી હતી
તેથી મ્યુનિ. કોર્પો.ની માંગણીને માન આપી સરદાર સરોવર નિગમ દ્વારા સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવ્યું હતું એક અંદાજ મુજબ સાબરમતી નદીમાં ૧લી જુલાઈએ ૧૧.૦૦ વાગ્યે નદીની સપાટી ૧ર૯.૭પ હતી તે સમયે નર્મદા મેઈન કેનાલમાંથી ૧પ૪પ ક્યુસેક અને અન્ય કેનાલમાંથી રર૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું
તે દિવસે સવારે ૧૧ થી બપોરના ર.૦૦ વાગ્યા સુધી પ્રતિ ૩૦મીનીટે ૧પ૪પ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ર.૩૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ૩૦૦૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ૬.૩૦ થી ૭.૩૦ દરમિયાન દર અડધા કલાકે દર ૩૦ મીનીટે ૪૦૧૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આમ પહેલી જુલાઈએ સાંજે ૬.૦૦ વાગ્યા સુધી નર્મદા મેઈન કેનાલમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે તે દિવસે નદીની સપાટી વધીને ૧૩૧.પ૦ થઈ ગઈ હતી ત્યારબાદ રજી જુલાઈએ ક્રુઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ ક્રુઝને સતત ફરતી રાખવા માટે ૧૩૩ની સપાટી રાખવી જરૂરી છે
તેથી ૩જી જુલાઈએ સવારે ૭.૦૦ વાગ્યાથી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી દર કલાકે પ૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તથા ૩ જુલાઈએ રાત્રે ૧૦.૦૦ વાગ્યો નદીનું સ્તર૧૩૩ કરવામાં આવ્યું હતું જે આજે પણ ૧૩૪ છે. આમ સાબરમતીમાં રિવર ક્રુઝ ચલાવવા માટે બે દિવસમાં ૬૦ હજાર મિલીયન લીટર પાણી છોડવામાં આવ્યું હતું.
રાજય સરકાર દ્વારા મ્યુનિ. કોર્પો.ને પ્રતિ ૧ હજાર લીટરે રૂા.પ.૧પ પૈસા લેખે પાણી આપવામાં આવે છે જાે તે મુજબ ગણતરી કરવામાં આવે તો માત્ર રિવર ક્રુઝ માટે થઈને સાબરમતી નદી ભરવા માટે રૂા.૩૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જાેકે તેનો ભાર સિંચાઈ વિભાગ પર આવશે. મ્યુનિ. કોર્પોરેશને આ નાણાં ચુકવવાના રહેશે નહી.
સાબરમતી રિવરફ્રંટ બનાવવામાં આવ્યો તે સમયે નદીના ઉંડાણમાં ઘટાડો કરવામાં આવ્યો હતો રિવરફ્રંટ તૈયાર થયા બાદ ભારે વરસાદ કે ઉપરવાસના પાણીના આવક સમયે ફ્રંટ ને નુકશાન ન થાય તે માટે નહેરના દરવાજા ખોલી નાંખવામાં આવે છે જેના કારણે અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામોમાં ભારે તબાહી થાય છે
હવે રિવર ક્રુઝ આવ્યા બાદ નદીનું સ્તર ફરજીયાત ૧૩૩ રાખવામાં આવશે જાે તેનાથી ઓછી સપાટી રાખવામાં આવે તો ક્રુઝ ફરી શકે તેમ નથી. શહેરમાં કે ઉપરવાસમાં ભારે વરસાદ થાય તેવા સમયે સપાટી જાળવી રાખવા માટે બંધ ના દરવાજા ખોલવામાં આવશે તો નુકશાનીનું પ્રમાણ વધી શકે છે તેમ નિષ્ણાતો માની રહયા છે.