ગ્લોબલ સાઉથનો અવાજ બનવાની આપણી ફરજ છે: એસ જયશંકર
નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે વિકાસશીલ દેશો અથવા ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બનવાનું ભારતનું કર્તવ્ય છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે હાલમાં વિકાસશીલ દેશો ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે અને તેઓ ભારત તરફ મોટી આશાઓ સાથે જાેઈ રહ્યા છે.
અગાઉ, વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત ‘ગ્લોબલ સાઉથ’ના દેશોને એકસાથે લાવવા અને વિવિધ વૈશ્વિક પડકારો પર તેમની સામાન્ય ચિંતાઓ, રુચિઓ અને દ્રષ્ટિકોણને શેર કરવા માટે ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટનું આયોજન કરશે.
ખરેખર, ‘ગ્લોબલ સાઉથ’ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ દેશો માટે વપરાય છે. ય્-૨૦ જૂથના ભારતના અધ્યક્ષપદ અંગે જયશંકરે કહ્યું, ‘હાલમાં, વિકાસશીલ દેશો તેલ, અનાજ અને ખાતરની વધતી કિંમતોથી ચિંતિત છે. તેઓ વધતા દેવું અને કથળતી આર્થિક સ્થિતિથી પણ ચિંતિત છે. આવી સ્થિતિમાં, રાજદ્વારી દૃષ્ટિકોણથી ગ્લોબલ સાઉથ કહેવાતા દેશોનો અવાજ બનવું આપણી ફરજ બની જાય છે.
વિદેશ મંત્રી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી નિમિત્તે અમદાવાદની સીમમાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિકાસશીલ દેશોને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારત ૧૨-૧૩ જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમ દ્વારા ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ’ સમિટનું આયોજન કરશે જેમાં વૈશ્વિક દક્ષિણ સહિતના વિકાસશીલ દેશોને તેમના મુદ્દાઓ, ચિંતાઓ અને પ્રાથમિકતાઓ રજૂ કરવાની તક મળશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે આ માહિતી આપી હતી. ક્વાત્રાએ પત્રકારોને કહ્યું, ‘આ સમિટમાં ભાગ લેવા માટે ૧૨૦ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સની મુખ્ય થીમ ‘યુનિટી ઓફ વોઇસ, યુનિટી ઓફ પરપઝ’ છે. તેમણે કહ્યું કે આ સમિટની કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ’ અને ભારતના ‘વસુધૈવ કુટુંબકમ’ના મંત્રથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક મંચ પર વિકાસશીલ વિશ્વનો અવાજ અને ચિંતાઓ મુકવામાં ભારત મોખરે રહ્યું છે.
ભૂતકાળમાં, કોવિડ -૧૯ રોગચાળો અને યુક્રેન સંઘર્ષની અસર વિશ્વના દેશો પર પડી છે. આના કારણે ખોરાક, બળતણ અને ખાતરની પહોંચ પર અસર પડી છે. ક્વાત્રાએ કહ્યું કે દેવું અને ફુગાવાનું દબાણ અર્થતંત્રોના માળખાકીય પરિમાણો પર પણ પ્રતિબિંબિત થયું છે.
તેમણે કહ્યું કે આ કોન્ફરન્સમાં ગ્લોબલ સાઉથ સહિતના વિકાસશીલ દેશોને તેમના મુદ્દાઓ, ચિંતાઓ અને પ્રાથમિકતાઓ રજૂ કરવાની તક મળશે.
જ્યારે પૂછવામાં આવ્યું કે આ કોન્ફરન્સમાં ભારતના કયા પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો ક્વાત્રાએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે માહિતી આપી હતી કે આ ડિજિટલ સમિટમાં ૧૦ સત્રો હશે, જેમાં બે સત્ર સરકારના વડાના સ્તરે હશે જ્યારે આઠ સત્ર મંત્રી સ્તરે હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વડાઓના સ્તરે સત્રમાં સામેલ થશે.SS1MS