GSTના બ્લોક થયેલા નંબર ફરી શરૂ કરાવવામાં ૩થી ૬ મહિનાનો સમય જાય છે
(એજન્સી)અમદાવાદ, જીએસટી ડિપાર્ટમેન્ટ બાકી રિટર્નના કારણે કરદાતાના નંબર બ્લોક કરી દે છે. બ્લોક કરી દેવાયેલા આ નંબરોના જરૂરી કમ્પલાઈન્સ અને બાકી રિટર્ન ફાઈલ કરવા છતાં કરદાતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નંબર ચાલુ કરાવવા માટે ૩થી ૬ મહિનાનો સમય નીકળી જાય છે.
નંબર ફરી ચાલુ ન થતાં વેપાર-ધંધાને અસર પડે છે. નાછૂટકે કરદાતાએ ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા પડે છે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ પેઢીઓ પાસેથી આઈટીસી કે બોગસ બિલ લીધા હોય તેવા કરદાતાના જીએસટી નંબર તેમજ બાકી રિટર્ન હોય તેમના નંબર બ્લોક કરી દેવાની કાર્યવાહી કરાઈ છે. ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી નંબર બ્લોક અને રદ કરવાની કાર્યવાહીને લઈને કરદાતાઓ પોતાના વ્યવહારો બંધ થઈ જાય છે.
નંબર બ્લોક થવાના કારણે વેપારીઓ ચલણ કે ઈ-વે બિલ બનાવી શકતા નથી. આ ઉપરાંત વેપારીઓની આઈટીસી બ્લોક થઈ જાય છે. જેના કારણે બીજા વેપારીઓ તેમની પાસેથી માલની ખરીદી કરવાનું ટાળતા હોય છે. વેપારીઓ પોતાના બાકી રિટર્ન કે ક મ્પલાઈન્સ કરી દેવા છતાં તેમના નંબર એક્ટિવ થતા નથી. જેના કારણે વેપારીઓને ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા પડી રહ્યા છે. કરદાતાઓના કોઈના કોઈ કારણોસર જીએસટી નંબર બ્લોક થવા કે રદ થવાના કિસ્સાઓ વધી ગયા છે.