Western Times News

Gujarati News

અચોક્કસ મુદત સુધી ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવા નિર્ણય કરાયો

પ્રતિકાત્મક

ઊંઝા APMCમાં ૧૩૩ દુકાનોની માલિકીના પ્રશ્ને વેપારીઓની હડતાળ

ઉંઝા, ઉંઝા માર્કેટયાર્ડમાં આવેલા નવા ગંજબજારની ૧૩૩ દુકાનના માલિકોની માલિકીના પ્રશ્નનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી ઉંઝા વેપારી મંડળ અને માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશન દ્વારા તા.ર૬ જુલાઈ ર૦ર૩થી માર્કેટયાર્ડ અચોકકસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. ૧૩૩ દુકાનોના માલિકોની માલિકીના પ્રશ્નના નિકાલની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.

ઉંઝા ગંજબજારમાં દુકાનો વેચાણથી આપવા સંદર્ભે વિવાદ સર્જાયો છે. જેમાં ૧૩૩ દુકાનોમાં સ્ટેમ્પ વર્ષ ર૦૧૭-૧૮ના બોર્ડ દ્વારા દુકાનો વેચાણ કરી બાદમાં વેપારીઓને મકાન, દુકાનોની માલિકીનો હકક કરી આપ્યો હતો. જેને લઈ અગાઉ ઉનાવા એપીએમસીના ડિરેકટર હરેશ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી.

આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરાઈ હતી. આથી તત્કાલીન સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત તત્કાલીન બોર્ડના સભ્યોને ર૭ જુલાઈએ હાજર રહેવા નોટિસ અપાઈ છે. બીજી તરફ ૧૩૩ દુકાનોના પ્રશ્ને આજે ઉંઝા ગંજબજારના વેપારીઓ એકઠાં થઈ બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે ઉંઝા ગંજબજારના વેપારી વિમલભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉંઝા ગંજબજારની ૧૩૩ દુકાનો અગાઉની એપીએમસીની બોડી દ્વારા દસ્તાવેજાે કરી માલિકી હક્ક પરત અપાયા હતા. હાલમાં સરકારમાં રજૂઆત કરી રાજકીય રમતો રમાઈ રહી છે, જેને લઈ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આગામી ર૭ જુલાઈના રોજ જવાબ લેવાના છે.

અમારા વેપારીઓનો વિરોધ એ છે કે વેપારીઓના નામે થયેલી મિલકતમાં સરકાર કેમ દખલગીરી કરી રહી છે. જેના વિરોધમાં બધા વેપારીઓ એક થઈ અચોકકસ મુદત હડતાળ સુધી માર્કેટયાર્ડ બંધ રાખવા નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.